વિધાનસભ્યોની અપાત્રતા: મહારાષ્ટ્રના સ્પીકરે સુપ્રીમ કોર્ટ પાસે માંગ્યો વધુ સમય, જાણો કેમ?
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિવસેના વિરુદ્ધ શિવસેના કેસમાં ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેની અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ પાસે વધારાનો સમય માંગ્યો છે. તેમની અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. તેમણે દલીલ કરી છે કે આ કેસમાં 2 લાખ 71 હજાર પાનાથી વધુ દસ્તાવેજો દાખલ કરવામાં આવ્યા છે, વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે, તેથી મને ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવા માટે વધુ ત્રણ અઠવાડિયાની જરૂર પડશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા પર નિર્ણય લેવા માટે 30 ડિસેમ્બરની સમયમર્યાદા નક્કી કરી હતી.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને શિવસેના વિરુદ્ધ શિવસેના કેસમાં વિધાન સભ્યોને ગેરલાયક ઠેરવવા પર નિર્ણય લેવા માટે 30 ડિસેમ્બરની ની સમયમર્યાદા આપી હતી. હવે તેમણે આ કેસમાં નિર્ણય લેવા માટે સર્વોચ્ચ અદાલત પાસે 3 અઠવાડિયાનો સમય વધારવાની માંગ કરી છે.
અગાઉ, 30 ઓક્ટોબર, 2023 ના રોજ કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને 30 ડિસેમ્બર સુધીમાં અયોગ્યતાની અરજીઓ પર નિર્ણય લેવા સ્પષ્ટ સૂચના આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘અમે નથી ઈચ્છતા કે આ મામલો આગામી ચૂંટણી સુધી પેન્ડિંગ રહે. જો સ્પીકર સુનાવણી ન કરી શકે તો અમે કરીશું. અમે વારંવાર સ્પીકરને નિર્ણય લેવા કહ્યું છે. આ કેસ એકનાથ શિંદે અને તેમના જૂથના 33 ધારાસભ્યો વિરુદ્ધ છે જેમણે શિવસેના વિરુદ્ધ બળવો કર્યો હતો. ઉદ્ધવ જૂથે આ ધારાસભ્યો પર પક્ષપલટા વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને તેમની વિધાનસભા સદસ્યતા રદ કરવા માટે સ્પીકરને અરજી કરી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે એવું લાગે છે કે અયોગ્યતાની અરજીઓને બિનઅસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા વતી દલીલ કરવામાં આવી હતી કે દિવાળી અને ક્રિસમસની રજાઓ આવશે અને આ સમયગાળા દરમિયાન શિયાળુ સત્ર પણ આવશે. તેના પર CJIએ કહ્યું હતું કે જો સ્પીકર આ અરજીઓ પર સુનાવણી ન કરી શકે તો અમે નિર્ણય લઈશું. તેમણે કહ્યું કે જ્યાં સુધી આગામી ચૂંટણી જાહેર ન થાય અને તેઓ બિનઅસરકારક ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહી શકે નહીં.
આપણે એ પણ જાણીએ કે વિધાન સભ્યોને ગેરલાયક ઠેરવવાનો મામલો શું છે.
શિવસેના (UBT) એ એકનાથ શિંદે અને તેમના જૂથના 33 ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતની અરજી દાખલ કરી હતી. આ વિધાન સભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો અને મહાવિકાસ અઘાડી સરકારને ઉથલાવી દીધી હતી, જેના કારણે શિવસેનામાં પણ ભાગલા પડ્યા હતા. પાર્ટી સામેના દાવાનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો. ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને સાચી શિવસેના ગણી અને તેને પક્ષનું નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવ્યું. આ પછી ઉદ્ધવ જૂથે તેમની પાર્ટીનું નામ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને પ્રતીક ‘જલતી મશાલ’ રાખ્યું.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એકનાથ શિંદે જૂથે કહ્યું હતું કે ઉદ્ધવ જૂથ દ્વારા વિધાન સભ્યોને ગેરલાયક ઠેરવવા માટે આપવામાં આવેલા દસ્તાવેજો કથિત રીતે નકલી છે. જો મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરવિધાન સભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લેશે તો મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત તેમના જૂથના 33 વિધાન સભ્યોના ભાવિનો નિર્ણય થશે. ઉપરાંત વર્તમાન મહારાષ્ટ્ર સરકારનું ભવિષ્ય પણ નક્કી થશે.