જાલનામાં વાયરલ વીડિયોને કારણે ઓનલાઇન હેરાનગતિથી કંટાળીને યુવકે કરી આત્મહત્યા

જાલના: જાલના જિલ્લામાં મહાન વ્યક્તિનું અપમાન કરતા કૃત્યનો વીડિયો વાયરલ થયા બાદ તેને કારણે વારંવાર થનારી ઓનલાઇન હેરાનગતિથી કંટાળીને 27 વર્ષના યુવકે આત્મહત્યા કરી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મહેશ અદે નામના યુવકે બુધવારે પોતાના ગામમાં કૂવામાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યા બાદ પોલીસે ગુનાહિત ધાકધમકી અને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ સાત લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. મૃતક પરતુર તહેસીલના ટોકમલ તાંડા ગામનો રહેવાસી હતો.
પોલીસના જણાવ્યા અનુસાર તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ‘છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન’ નામના બ્લ્યુ બોર્ડ નીચે મહેશ અડે અને તેનો મિત્ર લઘુશંકા કરતાં નજરે પડ્યા હતા.
આપણ વાચો: દ્વારકામાં યુવાન ખેડૂતની આત્મહત્યાઃ કૉંગ્રેસે કર્યા આકરા પ્રહાર
દારૂના નશામાં આચરાયેલા આ કૃત્યને કારણે ઓનલાઇન વ્યાપક આક્રોશ ફેલાયો હતો અને ત્યાર બાદ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અને ફોન પર બંને જણને ગાળો આપવાનું અને ધમકાવવાનું શરૂ કર્યું હતું.
લોકોના આક્રોશને શાંત કરવા માટે મહેશ અડે અને તેના મિત્રએ માફી માગતો વીડિયો પોસ્ટ કર્યો હતો. જોકે માફી માગવા છતાં હેરાનગતિ અને ધમકીઓ ચાલુ જ રહી હતી. આ હેરાનગતિ તેમ જ અપમાન સહન ન થતાં અડેએ બુધવારે અંતિમ પગલું ભર્યું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મહેશ અડેના કાકાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે સાત લોકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)



