જાલનામાં ઓબીસી કાર્યકર્તાની કારને આગ ચાંપી: ગુનો દાખલ

જાલના: અનામતનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જાલનામાં ઓબીસી કાર્યકર્તાની કારને અજાણ્યા શખસોએ આગ ચાંપી હતી.
સીસીટીવી ફૂટેજમાં નજરે પડે છે કે નીલમનગર વિસ્તારમાં રવિવારે રાતે 10 વાગ્યાની આસપાસ ઓબીસી કાર્યકર્તા નવનાથ વાઘમારેની પાર્ક કરેલી કાર પર એક વ્યક્તિએ બોટલમાંથી જ્વલનશીલ પ્રવાહી રેડ્યું હતું અને ત્યાર બાદ કારને આગ ચાંપી દીધી હતી. આગમાં કારના ઉપરના ભાગને નુકસાન થયું હતું. સ્થાનિકોએ ઘટનાસ્થળે આવીને આગ બુઝાવી હતી.
વાઘમારેએ બાદમાં જણાવ્યું હતું કે મરાઠા અનામત નેતા મનોજ જરાંગેના સમર્થકોએ આગ ચાંપી છે. તેઓ જાલનામાં અંતરવાલી સરાટી ગામના રહેવાસીઓ છે. વાઘમારેએ બાદમાં કદીમ જાલના પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે વાઘમારે અને અન્ય ઓબીસી કાર્યકરોએ અન્ય પછાત વર્ગની શ્રેણી હેઠળ મરાઠા સમુદાયના સભ્યોને અનામત નહીં આપવું જોઇએ એવું કહીંને વિરોધ કર્યો છે.
‘મારી કારને જાણીજોઇને આગ ચાંપવામાં આવી હતી. સ્થાનિકોએ આગ બુઝાવવામાં મદદ કરી હતી. અમે ઉશ્કેરાઇ જવાના નથી. અમે બંધારણનું પાલન કરીશું અને આવાં કૃત્યો નહીં કરીશું. જો ઓબીસી કાર્યકર્તાએ મનોજ જરાંગેની કારને બાળી નાખી હોત તો’ એવો પ્રશ્ર્ન વાઘમારેએ કર્યો હતો.
જાલના જિલ્લો મરાઠા, ઓબીસી, ધનગર અને બંજારા સમુદાયની અનામતની લડના કેન્દ્રમાં છે. ઓબીસી કાર્યકર્તાઓ હૈદરાબાદ ગેઝેટના અમલનો વિરોધ કરી રહ્યા છે. મરાઠવાડા પ્રદેશના મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર નહીં આપવાની માગણી કરી રહ્યા છે, કારણ કે આવું પ્રમાણપત્ર આફતાં ઓબીસી ક્વોટામાંથી તે મરાઠાઓને લાભ થશે, એવું તેમનું કહેવું છે.
(પીટીઆઇ)