મહારાષ્ટ્ર

અનૈતિક સંબંધમાં આડખીલીરૂપ બની રહેલા પતિની કરી હત્યા: પત્ની, દિયરની ધરપકડ

જાલના: જાલના જિલ્લામાં અનૈતિક સંબંધમાં આડખીલીરૂપ બની રહેલા પતિની હત્યા કરવા બદલ પત્ની અને દિયરની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જાલનાના બદનાપુર તહેસીલના સોમથાના ગામમાં રહેનારા પરમેશ્ર્વર તાયડેની હત્યાના કેસમાં તેની પત્ની મનીષા તાયડે (25) અને પરમેશ્ર્વરના નાના ભાઇ જ્ઞાનેશ્ર્વર તાયડે (28)ની ધરપકડ કરવામાં આવી હતી.

બદનાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.ટી. સુરવસેએ જણાવ્યું હતું કે મનીષા તાયડેનો પતિ પરમેશ્ર્વર એક મહિનાથી ગુમ હતો. મનીષાએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તે પતિને શોધવાનું નાટક કરી રહી હતી.
દરમિયાન પરમેશ્ર્વરનો મૃતદેહ બુધવારે જળાશયમાંથી મળી આવ્યો હતો, જેને બાદમાં હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

આપણ વાચો: પંજાબના પૂર્વ ડીજીપી પર દીકરાની હત્યાનો કેસઃ પુત્રવધૂ સાથે ‘અનૈતિક સંબંધ’ હોવાનો આરોપ

પૂછપરછ દરમિયાન મૃતકના પરિવારના સભ્યોનાં નિવેદન વિરોધાભાસી જણાતાં પોલીસને શંકા ગઇ હતી. વધુ તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મનીષા અને જ્ઞાનેશ્ર્વર વચ્ચે અનૈતિક સંબંધ હતા, જેની સામે પરમેશ્ર્વરનો વિરોધ હતો.

પંદરમી ઑક્ટોબરે રાતે જ્ઞાનેશ્ર્વરે પથ્થરથી તેના મોટા ભાઇ પરમેશ્ર્વર પર હુમલો કર્યો હતો, જ્યારે મનીષાએ કપડાના ટુકડાથી તેનું ગળું દબાવ્યું હતું. બંને બાદમાં પરમેશ્ર્વરના મૃતદેહને પ્લાસ્ટિકમાં લપેટીને અને પથ્થર બાંધીને જળાશયમાં ફેંકી દીધો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button