જાલનામાં કાર 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતાં એકનું મોત: અન્ય ચાર ગુમ…

જાલના: જાલના જિલ્લામાં કાર 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતાં એકનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર કૂવામાં ડૂબીને મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે.
ભોકરદાન-જાફરાબાદ રોડ પર ગાડેગવ્હાણ ગામમાં શુક્રવારે સવારે આ અકસ્માત થયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
છત્રપતિ સંભાજીનગરથી જાફરાબાદ તરફ પૂરપાટ વેગે જઇ રહેલી કારે પ્રથમ ભગવાન બંકર નામના સ્થાનિક રહેવાસીને ટક્કર મારી હતી, જે મોર્નિંગ વૉક માટે ઘરેથી નીકળ્યો હતો. કારે અડફેટમાં લેતાં ભગવાન બંકરને ગંભીર ઇજા પહોંચી હતી.
કાર બાદમાં રસ્તા પરથી ઊતરીને નજીકમાં આવેલા કૂવામાં ખાબકી હતી.
છત્રપતિ સંભાજીનગરના હુડકો ખાતેના રહેવાસી જ્ઞાનેશ્ર્વર દાકલેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ચાર જણની શોધ ચલાવવામાં આવી રહી છે.
ચારેય જણમાં હુડકોના રહેવાસી નિર્મલ દાકલે, ફૂલાંબરી તહેસીલના ગ્રોગાઇ ગુંજા ગામની પદ્માબાઇ ભાંબરે તથા જ્ઞાનેશ્ર્વર ભાંબરે અને અજાણ્યા કાર ડ્રાઇવરનો સમાવેશ છે.
અકસ્માતની જાણ થતાં હસનાબાદ અને ટેમ્ભુર્ણી પોલીસ સ્ટેશનના અધિકારીઓ, અગ્નિશમન દળના જવાનો અને જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટનો સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. (પીટીઆઇ)
આ પણ વાંચો…જાલના જિલ્લા પરિષદની સ્કૂલનો હેડમાસ્તર ક્લાસમાં દારૂના નશામાં મળ્યો…