જળગાંવમાં રેલવે ટ્રેક પરથી ત્રણ રાઈફલ મળતા રેલવે પ્રશાસનની ઊંઘ હરામ

જળગાંવઃ થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં વરણગાંવ ઓર્ડનન્સ ફેક્ટરીમાંથી પાંચ અત્યાધુનિક રાઈફલની ચોરીની ઘટના જાણમાં આવી છે. આ કેસમાં વરણગાંવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ આ પ્રકારના બનાવથી રેલવે પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે.
સોમવારે પાંચમાંથી ત્રણ રાઈફલ રેલવે ટ્રેક પરથી મળી આવી હતી. આ કેસમાં પોલીસ હજુ પણ બે એકે૪૭ની શોધ કરી રહી છે. આ ઘટના ૧૯ ઓક્ટોબરથી ૨૧ ઓક્ટોબરની વચ્ચે બની હતી, ઓર્ડનન્સ ફેક્ટરીના ક્વોલિટી કંટ્રોલ (પ્રૂફ ટેસ્ટિંગ) વેરહાઉસ વિભાગના દરવાજાનું તાળું અને સીલ તૂટેલું જોવા મળ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સત્તા માટે પારિવારિક સંઘર્ષ…
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ ત્રણ એકે-૪૭ રાઈફલ અને બે ૫.૫૬ ગલીલ એસ રાઈફલ સહિત પાંચ રાઈફલની ચોરી કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, સોમવારે સુરક્ષા કંટ્રોલ ભુસાવલ તરફથી માહિતી મળી હતી કે વરણગાંવ અપ મેઇન લાઇન પર ત્રણ રાઇફલ્સ પાટા વચ્ચે પડી છે, જે બાદ તપાસ કરતા પોલીસને ભુસાવલ અને વરણગાંવ રેલ્વે સ્ટેશન વચ્ચે ત્રણ રાઈફલ મળી આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલામાં બીએનએસ કલમ ૩૦૫(એ), ૩૩૧(3), ૩૩૧(૪) હેઠળ વરણગાંવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યની તમામ એજન્સીઓને પણ આ મામલે એલર્ટ કરી દેવામાં આવી છે.