બોપદેવ ઘાટમાં સામૂહિક બળાત્કાર પ્રકરણે ત્રણ હજાર મોબાઈલ નંબરની તપાસ
આરોપીઓની શોધ માટે 100થી વધુ સીસીટીવીનાં ફૂટેજની ચકાસણી: 200થી વધુ રીઢા આરોપીઓની પૂછપરછ

પુણે: બોપદેવ ઘાટમાં બૉયફ્રેન્ડને ઝાડ સાથે બાંધ્યા પછી યુવતી પર કથિત સામૂહિક બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપીઓને શોધી કાઢવા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે. બનાવ બન્યો એ રાતે ઘટનાસ્થળ પાસેથી પસાર થનારા ત્રણ હજારથી વધુ મોબાઈલ વપરાશકર્તાઓની વિગતો મેળવી પોલીસ તપાસ કરી રહી છે. એ સિવાય 200થી વધુ રેકોર્ડ પરના આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પુણે ગેગરેપ કેસ, પોલીસે આરોપીઓના સ્કેચ, સીસીટીવી ફૂટેજ જારી કર્યા
બોપદેવ ઘાટમાં ગુરુવારની રાતે બનેલી ઘટનાથી ભારે હોબાળો મચી ગયો હતો. ટેબલ પૉઈન્ટ પરિસરમાં ફરવા ગયેલાં યુગલને આરોપીઓએ કોયતા સહિતનાં શસ્ત્રોની ધાકે બાનમાં લીધું હતું. મારપીટ કર્યા પછી યુવકને તેણે પહેરેલો શર્ટ કાઢવા દબાણ કરાયું હતું. એ શર્ટથી યુવકના હાથ બાંધવામાં આવ્યા હતા. બૅલ્ટની મદદથી પગ બાંધ્યા પછી યુવકને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો હતો. પછી ત્રણ આરોપીએ યુવતી સાથે કથિત દુષ્કર્મ કર્યું હતું.
શુક્રવારના મળસકે યુવક-યુવતી પુણેની સસૂન હૉસ્પિટલમાં પહોંચ્યાં ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. આ પ્રકરણની તપાસ માટે પોલીસ અધિકારીઓની 10 ટીમ બનાવવામાં આવી હતી. બે શકમંદના સ્કૅચ પણ તૈયાર કરાયા હતા. પોલીસ ગુરુવારની રાતે ઘટનાસ્થળ પાસેથી પસાર થનારા લોકોની માહિતી મેળવી રહી છે. 3000 જેટલા મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મિત્રોની સામે યુવતી પર ગેંગ રેપ, મોડી રાત્રે નિર્જન રસ્તા પર હેવાનિયત
કહેવાય છે કે ઘટનાસ્થળ નિર્જન પરિસર હોવાથી ત્યાં સીસીટીવી કૅમેરા પણ નથી. જોકે ઘટનાસ્થળ પાસેથી 70થી 80 કિલોમીટર સુધીના પરિસરમાં લાગેલા 100 જેટલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પોલીસ તપાસી રહી છે. શકમંદોને ઓળખી કાઢવા માટે રીઢા આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.