કન્સ્ટ્રક્શન સાઈટ્સને બીએમસીની ચીમકીઃ આ નિયમોનો ભંગ કરશો તો આવી બનશે
૮૬૮નું ઈન્સ્પેકશન અને ૨૮ને નિયમોનું પાલન કરવાનું તાકીદ નિયમોનું ઉલ્લંઘન કર્યું તો આવી બનશે: સુધરાઈની સ્પષ્ટ શબ્દોમાં ચીમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કન્સ્ટ્રકશન સાઈટ તથા રસ્તા પરની ધૂળને કારણે વધી રહેલા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ગયા અઠવાડિયે નવી ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ તેનું અનુકરણ કરવામાં આવી રહ્યું છે કે નહીં તેનું ઈન્સ્પેકશન કરવા માટે તમામ ૨૪ પ્રશાસકીય વોર્ડમાં ૨૫ ડિસેમ્બર, બુધવાર સુધીમાં ૮૬૮ ક્ધસ્ટ્રકશન સાઈટનું સ્પેશિયલ સ્કવોડ દ્વારા ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું, જેમાં નિયમનું ઉલ્લંઘન કરનારા કુલ ૨૮ બાંધકામને લેખિતમાં સૂચના આપવામાં આવી છે. તેમ જ તાત્કાલિક સ્વરૂપે નિયમનું પાલન નહીં કર્યું તો કન્સ્ટ્રકશન સાઈટને સ્ટોપ વર્કની નોટિસ આપવાનું અથવા કામને સ્થળને સીલ કરવાની ચોખ્ખા શબ્દોમાં પાલિકાએ આ લોકોને ચેતવણી પણ આપી છે.
વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે મુંબઈ મહાનગરપાલિકા સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજન વિસ્તારમાં હવાની ગુણવત્તાને અસર થઈ રહી છે. તેની નોંધ લઈને પાલિકાએ વાયુ પ્રદૂષણ અને તેમાં પણ મુખ્યત્વે ધૂળને નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ અમુક ઉપાયયોજના અમલમાં મૂકી છે અને ગાઈડલાઈનને પણ બહાર પાડી છે, જેને યુદ્ધનાં ધોરણે અમલમાં મૂકવાની ચેતવણી પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ તમામ વિભાગો સહિત સંબંધિત અધિકારીઓને આપી છે.
મુંબઈમાં મોટા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રકચરની સાથે જ બાંધકામના અનેક કામ ચાલી રહ્યા છે, તેને કારણે ધૂળ સહિતનું પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અગાઉ વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે ૨૭ નિયમ સાથેની ગાઈડલાઈન ગયા વર્ષે ઓક્ટોબરમાં બહાર પાડી હતી અને ત્યારબાદ ગયા અઠવાડિયામાં ફરી એક વખત ગાઈડલાઈનમાં નવા સુધારા ઉમેરવામાં આવ્યા હતા, જેમાં કન્સ્ટ્રકશન સાઈટ દ્વારા નિયમોનું અમલ કરવામાં નિષ્ફળ ગયા તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સંબંધિત આસિસ્ટન્ટ એન્જિનિયરોે સામે આકરાં પગલાં લેવાની ચીમકી પાલિકા પ્રશાસને આપી છે.
મુંબઈમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે સંંબંધિતો દ્વારા તમામ પ્રયાસ આવશ્યક હોવાથી તે માટે પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનું પાલન થાય છે કે નહીં તે માટે ૨૪ પ્રશાસકીય વોર્ડમાં સ્પેશિયલ ટીમ નીમવામાં આવી છે. આ ટીમ સંબંધિત પરિસરમાં મુલાકાત લઈને કામના ઠેકાણે ઈન્સ્પેકશન કરે છે. તેમ જ કામના ઠેકાણે નિયમનું ઉલ્લંઘન થતું જણાય તો તેને મુદતમાં તે પૂરું કરવા માટે લેખિતમાં સૂચના આપવામાં આવે છે.
આ પણ વાંચો…૫૦૦ કરોડ રૂપિયાની ૧૩૩૦ નવી ઈ-બસ ખરીદશે બેસ્ટ…
મુંબઈના તમામ ૨૪ વોર્ડમાં સ્પેશિયલ સ્કવોડ દ્વારા મુલાકાત લઈને ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈના ૮૬૮ કન્સ્ટ્રકશન સાઈટ પર પ્રત્યક્ષ રીતે મુલાકાત લીધી હતી. તે જ નિયમોનું ઉલ્લંઘન થતું જણાયું હતું તેવી ૨૮ કન્સ્ટ્રકશન સાઈટને સૂચના આપવામાં આવી છે અને બાકીના કન્સ્ટ્રકશન સાઈટને મુદત આપીને તાત્કાલિક ધોરણે ગાઈડલાઈનને અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે.
મુંબઈમાં ઘુમ્મ્સની ચાદર ફેલાઈ
છેલ્લા બે-ચાર દિવસથી મુંબઈની હવાની ગુણવત્તા ફરી કથળી છે. વહેલી સવારના મોટા પ્રમાણમાં ધુમ્મસની ચાદર ફેલાઈ ગઈ હતી. મોડી સવાર સુધી વાતાવરણ ધૂંધળું રહ્યું હતું. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી લોકલ ટ્રેનની સાથે જ રસ્તા પરના વાહનવ્યવહાર તેમ જ એવિએશન સેવાને અસર થઈ હતી. મુંબઈમાં ગુરુવારે સવારના વાદળિયું અને ધુમ્મસિયું વાતાવરણ રહ્યું હતું અને સવારના મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૩૯ નોંધાયો હતો. તો પશ્ચિમ ઉપનગરના અંધેરીથી બોરીવલી સુધીના વિસ્તારોમાં સરેરાશ એક્યુઆઈ ૨૫૦થી ૩૦૦ની આસપાસ નોંધાયો હતો. તો દક્ષિણ મુંબઈમાં એક્યુઆઈ ૧૫૦થી ૨૦૦ની વચ્ચે નોંધાયો હતો. જે અત્યંત ખરાબ શ્રેણીમાં આવે છે. બાન્દ્રા-કુલા-કૉમ્પ્લેકસમાં સાંજના પાંચ વાગે એક્યુઆઈ ૩૦૦ નોંધાયો હતો. થાણેમાં ૨૦૦થી ૨૫૦ની વચ્ચે. અંધેરીથી ઘાટકોપર વચ્ચે ૨૦૦થી ૨૫૦ વચ્ચે અને નવી મુંબઈમાં ૧૬૦ એક્યુઆઈ નોંધાયો હતો.