ભારત-પાકિસ્તાન એશિયા કપ મેચ: રાજ્યના પ્રધાને શિવસેના યુબીટી પર ભારત વિરોધી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની મેચનો વિરોધ કરવા બદલ શિવસેના (યુબીટી)ની આકર ટીકા કરતાં મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે શુક્રવારે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય રમતગમતની ઘટનાઓ દ્વિપક્ષી રાજકીય મડાગાંઠને આધારે નક્કી કરી શકાતી નથી.
પત્રકારો સાથે વાત કરતા, રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાને શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત પર આ મુદ્દે ‘ભારત વિરોધી’ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ શુક્રવારે કહ્યું હતું કે અત્યારે કેન્દ્ર અને રાજ્યમાં સત્તા પર રહેલી ભાજપ મૂળ ભાજપ નથી. તેમણે બીસીસીઆઈને દેશદ્રોહી ગણાવી હતી અને પાકિસ્તાન સામે રમવાનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો: ભારત પાકિસ્તાનના ક્રિકેટરો એશિયા કપના મુકાબલા પહેલાં જ દુબઈના મેદાન પર સામસામે!
‘અમારું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં અને તેનાથી વિપરીત. જો કે, અમે અમારી ટીમને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમવા કે ભાગ લેવાથી પ્રતિબંધિત કરી શકતા નથી. આ કેવા પ્રકારનું વલણ છે? તે યોગ્ય વલણ નથી,’ એમ તેમણે કહ્યું હતું.
રાઉતે ગુરુવારે કહ્યું હતું કે સેના (યુબીટી) એશિયા કપ ટુર્નામેન્ટના ભાગ રૂપે તે દિવસે અબુ ધાબીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનો વિરોધ કરવા માટે 14 સપ્ટેમ્બરે ‘સિંદૂર રક્ષા’ અભિયાન ચલાવશે.
આ પણ વાંચો: પાકિસ્તાન સામેની મૅચના બહિષ્કારમાં આઇપીએલનું ફ્રૅન્ચાઇઝી પણ જોડાયું!
પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું એ ‘વિશ્ર્વાસઘાત’ સમાન છે, એમ તેમણે કહ્યું હતું.
રાઉતના વલણની ટીકા કરતા શેલારે જણાવ્યું હતું કે પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદને એક સમયે શિવસેનાના સ્થાપક સ્વ. બાળ ઠાકરેના નિવાસસ્થાને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
‘જે લોકો હવે ભારતની ભાગીદારીનો વિરોધ કરે છે તેઓએ યાદ રાખવું જોઈએ કે બાળાસાહેબે મિયાંદાદની પોતાના ઘરે જ મહેમાનગતિ કરી હતી,’ એમ તેમણે જણાવ્યું હતું.
ભાજપના પ્રધાને મુઘલ શાસક ઔરંગઝેબના પોસ્ટરને દૂધ પીવડાવતા કેટલાક લોકોને દેખાડતા કથિત વીડિયોની પણ નિંદા કરી હતી.