પુત્રની કારના અકસ્માત માટે બાવનકુળેને લક્ષ્ય બનાવવા અયોગ્ય: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે પુત્રની કારના અક્સમાત માટે ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેને લક્ષ્ય બનાવવાનું યોગ્ય નથી.
ભાજપના પ્રદેશાધ્યક્ષના પુત્ર સંકેત બાવનકુળેની ઓડી કારના ડ્રાઈવરની સોમવારે રાતે ધરપકડ કરવામાં આવી હતી. આ કારે નાગપુર શહેરમાં કેટલાક વાહનોને ટક્કર મારી હતી.
ગૃહ ખાતાના પ્રધાન ફડણવીસે કહ્યું હતું કે પોલીસ આ કકેસની તપાસ કરી રહ્યા છે અને એફઆઈઆર પણ નોંધવામાં આવ્યો છે. આ કેસની બધી જ વિગતો સામે આવી ગઈ છે. આમ છતાં જે રીતે વિપક્ષો ચંદ્રશેખર બાવનકુળેને લક્ષ્ય બનાવી રહ્યા છે તે અયોગ્ય છે.
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપના અન્ય નેતા રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે આ બનાવના દોષી સામે આવશે. જે કોઈ દોષી હશે તેની સામે કાયદાને આધારે આકરી કાર્યવાહી કરવામાં આવશે. સાચું છે કે નાગપુરમાં જે કારનો અકસ્માત થયો છે તે સંકેત બાવનકુળેના નામે નોંધાયેલી છે અને તે કારમાં ઘટના સમયે હાજર હતો, કાયદાને કાયદાનું કામ કરવા દો, એમ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું.