રાયગઢમાં આ બેંકમાંથી થઈ ફિલ્મી અંદાજમાં સાત કરોડ રૂપિયાની લૂંટ…

રાયગઢ: મંગળવારે રાયગઢ ખાતે આવેલી એક્સિસ બેંકની બ્રાંચમાં અડધો ડઝનથી વધુ નકાબ પેહેરેલી ટોળકીએ ફિલ્મી અંદાજમાં લૂંટ ચલાવી હતી. બેંકના મેનેજર સાથે લૂંટારાઓએ અન્ય સ્ટાફને એક રૂમમાં બંધ કરીને સોનાના બિસ્કિટ સહિત સાત કરોડ રૂપિયાની રોકડા લઈને ફરાર થઈ ગયા હતા.
આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર એક નકાબપોશ લૂંટારાએ પહેલા બેંક મેનેજર પર છરીથી હુમલો કર્યો હતો અને સ્ટાફને એક રૂમમાં ભેગા થવા જણાવ્યું હતું. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી અને તેમણે ગુનેગારોની શોધ હાથ ધરી હતી.
આ બાબતે પોલીસના સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ પાંચથી છ જણ નકાબ પહેરીને સવારે 8:45 કલાકની આસપાસ રાયગઢ શહેરના ઘરઘોડા માર્ગ પર આવેલી એક્સિસ બેંકની શાખામાં તીક્ષ્ણ ધારદાર હથિયાર સાથે પ્રવેશ્યા હતા અને તેમણે બેંકમાં ઉપસ્થિત લોકોને ધમકી આપીને દરેકને એક રૂમમાં બંધ કરી દીધા હતા. ત્યાર બાદ તેમણે બેંક મેનેજર પાસે લોકરની ચાવી માંગી હતી. આ દરમિયાન, બેંક મેનેજર પર લૂંટારાઓએ છરીથી હુમલો કર્યો હતો.
ફર્સ્ટ એડ પછી મેનેજરને બેંકમાં પાછા લાવવામાં આવ્યા હતા અને પોલીસ અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. મેનેજરે પોલીસને આપેલી માહિતી અનુસાર લૂંટારાઓએ તેમની પાસેથી ચાવીઓ લઈ લીધી હતી અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા.
અમુક લોકોએ બે આરોપીઓને બેંકની દિશામાંથી ભાગી જતાં જોયા હોવાનો દાવો કર્યો હતો. સોનાના બિસ્કિટ અને અન્ય સમાન બિસ્કિટ સાથે લગભગ સાત કરોડ રૂપિયા લઈ ગયા હોવાની માહિતી મળી રહી છે.
સાત કરોડ રૂપિયાથી વધુની આ ફિલ્મી લૂંટને કારણે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.