મહારાષ્ટ્ર

ભાજપના કહેવાથી અબુ આઝમીએ ઔરંગઝેબ સંબંધી નિવેદન આપ્યું: ઈમ્તિયાઝ જલીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ વિધાનસભામાં ઔરંગઝેબની પ્રશંસા કરતું નિવેદન કર્યું અને આખા રાજ્યમાં નવો વિવાદ છેડાયો તે મુદ્દે એમઆઈએમના ભૂતપૂર્વ વિધાનસભ્ય ઈમ્તિયાઝ જલીલે અબુ આઝમી પર ગંભીર આરોપ કરતાં એવું નિવેદન કર્યું હતું કે ભાજપના ઈશારે જ અબુ આઝમીએ ઔરંગઝેબ બાબતનું નિવેદન કર્યું હતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અબુ આઝમીના ગોવંડી મતદારસંઘમાં તેમના માણસો દ્વારા ડ્રગ્સનો ગેરકાયદે કારભાર ચાલી રહ્યો છે.

મને એવું લાગે છે કે આ બધું સ્ટેજ-મેનેજ છે. અબુ આઝમીએ ચૂંટણીમાં ભાજપને કેવી રીતે ટેકો આપ્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કહેવાથી તેમણે કેવી રીતે ઉમેદવાર ઊભા રાખ્યા હતા. કેમ કે તેમની ઘણી સંપત્તી છે. તેમની યુપીમાં સંપત્તી છે. તેમના કેટલાક કનેક્શન છે. તેમણે મારી સામે પણ ઉમેદવાર ઊભા રાખ્યો હતો. તે ઉમેદવારને 5,000 મત મળ્યા હતા. મારો 2,000 વોટથી પરાજય થયો હતો. એટલે કે એક રીતે તેમણે ભાજપને સીધી રીતે સાથ આપ્યો હતો, એમ ઈમ્તિયાઝ જલીલે કહ્યું હતું.

આ પણ વાંચો: ઔરંગઝેબની કબરનો વિવાદ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો; આ મામલે PIL દાખલ…

તેમણે એમ પણ કહ્યું હતું કે વિધાનસભાનો પહેલો દિવસ હતો, હું પણ વિધાનસભામાં જ હતો. આ દિવસે અધિવેશનના પહેલા દિવસે આપણે મતદારસંઘના મુદ્દા રજૂ કરવાની તૈયારી કરીને આવતા હોઈએ છીએ, પરંતુ અબુ આઝમીએ શું કર્યું? તેમના ગોવંડી મતદારસંઘમાં ડ્રગ્સનો આટલો મોટો કારભાર ચાલી રહ્યો છે તેને ખતમ કરવા માટેની ચર્ચા કરવાને બદલે તેેઓ પહેલા જ દિવસે ઔરંગઝેબ ઘણા મહાન હતા એવું નિવેદન કર્યું હતું. આનું કારણ કદાચ એવું પણ હોઈ શકે કે આઝમીના માણસો જ ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેથી તેમને છાવરવા માટે અલગ મુદ્દો છેડ્યો હતો, એમ પણ ઈમ્તિયાઝ જલીલે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button