Mumbai અને પૂણેમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, NDRFની ટીમો સ્ટેન્ડબાય
મુંબઈ: દેશના અનેક રાજ્યોમાં પડી રહેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે મહારાષ્ટ્રના બે મોટા શહેરો મુંબઈ(Mumbai)અને પૂણેમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ અને તેના ઉપનગરોમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે .
NDRFની ટીમ તૈનાત
હવામાન વિભાગે આજે પુણેમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. NDRFની બે ટીમો અહીં તૈનાત કરવામાં આવી છે. બાલેવાડી, પુણે અને ચિંચવડમાં NDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
શનિવારે પણ વરસાદ પડ્યો હતો
પુણેમાં શનિવારે સાંજે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રેડ એલર્ટના કારણે એકતા નગર અને સુભાષ નગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ લોકોને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપી રહી છે.
નાસિકમાં યલો એલર્ટ જાહેર
મહારાષ્ટ્રના નાસિકમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. વરસાદના કારણે અહીંનો ગંગાપુર ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે ડેમમાંથી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ગોદાવરી નદીના કિનારે ગોદા ઘાટ પર બનેલા અનેક નાના-મોટા મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટીતંત્રે નદીની આસપાસના લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળોએ જવાની સલાહ આપી છે.
સાવચેતીના પગલા રૂપે ગોડા ઘાટ અને નીચાણવાળા વિસ્તારોમાં દુકાનો બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે આજે નાસિકમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે સોમવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવશે
બીજી તરફ મહારાષ્ટ્રમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને ખડકવાસલા ડેમમાંથી વધારાનું પાણી છોડવામાં આવતા એકતા નગર વિસ્તારમાં સૈન્યની ટુકડી તૈનાત કરવામાં આવી છે. આ ટુકડીમાં એન્જિનિયરો અને મેડિકલ સ્ટાફ સહિત લગભગ 100 લોકોનો સમાવેશ થાય છે અને તે જરૂરી વાહનો અને સાધનોથી સજ્જ છે.