મુંબઇઃ એનસીપીના સાંસદ અને શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેએ પીએમ મોદીનું નામ લીધા વિના ભાજપ અને મોદીની ટીકા કરી છે અને જણાવ્યું છે કે દિલ્હીમાં અદ્શ્ય શક્તિઓ મહારાષ્ટ્રને ખતમ કરવા માટે કામ કરી રહી છે. માત્ર મહારાષ્ટ્ર જ નહી એનસીપી, દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરીને કેવી રીતે કમજોર કરી શકાય એના પર કામ ચાલી રહ્યું છે.
સુપ્રિયા સુળેએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ હંમેશા નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ માટે સહાનુભૂતિ અનુભવે છે. તેઓ આ વાત હવામાં નથી કરી રહ્યા. તેમની પાસે આ વાત સાબિત કરવા માટેના યોગ્ય પુરાવા પણ છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે આ ‘અદૃશ્ય શક્તિ’ મરાઠી લોકોને કમજોર કરવા માગે છે. મહારાષ્ટ્રમાંથી હીરાનો વેપાર, નોકરીની તકો, ક્રિકેટ મેચો બધું જ છિનવાઇ રહ્યું છે. તેમનો હેતુ મહારાષ્ટ્રને નબળું પાડવાનો છે. આ બાબત ઘણી દુર્ભાગ્યપૂર્ણ છે.
સુપ્રિયા સુળેએ પીએમ મોદી કે અમિત શાહનું નામ નહોતું લીધું, પણ બધા જ જાણે છે કે દિલ્હીમાં અદ્શ્ય શક્તિ વિશે કહીને તેઓ કોને નિશાન બનાવવા માગે છે. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટીકા કરી રહ્યા હતા.