પુણેના આઇટી પાર્કમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓનો સામનો કરવા માટે સુળેએ સ્વતંત્ર ઓથોરિટીની માગણી કરી

પુણે: એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પુણેના હિંજેવાડી વિસ્તારમાં આઇટી પાર્ક અને તેની આસપાસના વિસ્તારોની માળખાકીય સમસ્યાઓના ઉકેલ માટે એક સ્વતંત્ર સત્તા સ્થાપિત કરવા વિનંતી કરી છે.
પુણેના પશ્ર્ચિમ ભાગમાં સૌથી મોટા આઇટી હબ તરીકે જાણીતા રાજીવ ગાંધી આઇટી પાર્કમાં મોટી અને નાની આઇટી/આઇટીઇએસ કંપનીઓ અને અન્ય સંસ્થાઓ આવેલી છે, જેમાં સેંકડો લોકોને રોજગારી મળે છે.
શુક્રવારે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં સુળેએ જણાવ્યું હતું કે આઇટી પાર્ક અનેક અગ્રણી વૈશ્વિક માહિતી ટેકનોલોજી કંપનીઓનું ઘર છે અને વૈશ્ર્વિક વ્યાપારના નકશા પર એક અગ્રણી સ્થાન ધરાવે છે, પરંતુ તેની માળખાકીય જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટેની સમર્પિત એજન્સીનો અભાવ છે.
આપણ વાંચો: ‘હું જ્યારે પણ સંસદમાં બોલું છું, ત્યારે મારા પતિને ઈન્કમટેક્સ નોટિસ મળે છે,’ સુપ્રિયા સુલેનો દાવો
‘રાજીવ ગાંધી આઇટી પાર્ક, હિંજેવાડી, માન અને મારુંજીના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં નોંધપાત્ર વિલંબ થઈ રહ્યો છે. નાગરિકોને એમમઆઈડીસી, પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન, પીએમઆરડીએ, મહાવિતરણ, મેટ્રો અને પોલીસ જેવી અનેક એજન્સીઓ પાસે ફોલોઅપ કરવાની ફરજ પડે છે.
ઘણા મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલા હોવાથી, તેનો ઉકેલ લાવવામાં જટિલ અને સમય માગી લે તેવું બને છે,’ એમ બારામતીના સાંસદે પત્રમાં લખ્યું હતું.
આપણ વાંચો: Maharashtra Loksabaha Update: પીયૂષ ગોયલ, નીતિન ગડકરી, સુપ્રિયા સુલે લીડમાં
તેમણે કહ્યું હતું કે અસુવિધા ટાળવા માટે, રાજીવ ગાંધી આઇટી પાર્ક, હિંજેવાડી, માન, મારુંજી અને આસપાસના વિસ્તારોને આવરી લેતી એક સ્વતંત્ર ઓથોરિટીની સ્થાપના કરવાની તાત્કાલિક જરૂર છે.
‘આ ઓથોરિટીના વડા તરીકે એક સક્ષમ અધિકારીની નિમણૂંક કરવી જોઈએ,’ એમ પણ સુલેએ જણાવ્યું હતું.
એક સ્વતંત્ર ઓથોરિટી નાગરિકોને સમયસર તેમની ફરિયાદોની રજૂઆત કરવા માટે અને નિરાકરણ માટેની પ્રક્રિયા સરળ બનાવશે, એમ જણાવતાં તેમણે ફડણવીસને આ બાબતની ગંભીર નોંધ લેવા વિનંતી કરી હતી.