નાગપુરમાં આખી રાત ભારેલા અગ્નિ જેવી સ્થિતિઃ પોલીસનો સખત બંદોબસ્ત, કર્ફ્યુ લગાવાયો

Nagpur Violence: ઔરંગઝેબની કબરને લઈને અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. જેથી કબરની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સોમવારે આ વિવાદમાં હિંસામાં ફેરવાઈ ગયો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહાલમાં સોમવારે રાત્રે લોકો હિંસા પર ઉતરી આવ્યાં હતાં. મહાલ બાદ હંસપુરીમાં પણ હિંસા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હિંસા દરમિયાન અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો, દુકાનો તોડી અને વાહનોમાં પણ તોડફોડ કરી હતી.
પોલીસે 60 થી 65 તોફાનીઓની અટકાયત કરી લીધી
આ હિંસા સંભાજી નગરમાં ઔરંગઝેબની કબરને લઈને વિવાદ વચ્ચે થઈ હતી. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ આ મકબરાને તોડી પાડવાની માંગ કરી હતી. બંને જૂથોએ સોમવારે સવારે નાગપુરમાં વિરોધ પણ કર્યો હતો, જેના કલાકો પછી હિંસા ફાટી નીકળી હતી. ઘટનાની વાત કરવામાં આવે તો સૌથી પહેલા નાગપુરના મહાલમાં હિંસા થઈ તેમાં અનેક લોકો ઘાયલ થયાં હતાં. ઉશ્કેરાયેલા ટોળાએ 25થી વધુ બાઇક અને ત્રણ કારને આગ ચાંપી દીધી હતી. અત્યાર સુધીમાં 60 થી 65 તોફાનીઓની અટકાયત કરવામાં આવી છે જ્યારે 25 થી 30 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
નાગપુરના મહાલમાં બે જૂથો સામસામે આવી ગયા
આ હિંસા માટે નાગપુર પોલીસે વિગતો આપતા કહ્યું કે, અફવાઓના કારણે હુલ્લડ થયા હતાં. બે જૂથો સામસામે આવી ગયા હતાં, જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવ્યાં છે. નાગપુરના ડીસીપી અર્ચિત ચાંડકે કહ્યું કે, આ હિંસા અફવાઓના કારણે થઈ હતી, પરંતુ હવે સ્થિતિ કાબુમાં છે. નોંધનીય છે કે, અજાણ્યાં લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે પણ બળનો પ્રયોગ કર્યો અને સ્થિતિને કાબુમાં લેવા માટે ટીયરગેસ પણ છોડ્યો હતો.
અજાણ્યા લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો
સોમવારે મહાલના ચિટનિસ પાર્ક પાસે હિંસા ફાટી નીકળી હતી. અજાણ્યા લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. મહાલમાં સાંજે 7:30 વાગે હિંસા થઈ ત્યાર બાદ રાત્રે 10:30 થી 11:30 વાગ્યાની આસપાસ હંસપુરી વિસ્તારમાં પણ હિંસા થઈ હતી. જેમાં અજાણ્યા લોકોએ કેટલીક ગાડીને આગ પણ લગાવી દીધી હતી. અત્યારે પોલીસ સીસીટીવી વીડિયોના આધારે તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો…લાંચ કેસમાં સેશન્સ કોર્ટના જજને જામીન આપવાનો હાઇ કોર્ટનો ઇનકાર
પોલીસે કેવી કાર્યવાહી કરી?
હિંસા ભડક્યા બાદ પોલીસે નાગપુરના અનેક વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દીધો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 163 લગાવી દેવામાં આવી છે. કર્ફ્યુના સ્થળોની વાત કરવામાં આવે તો, કોતવાળી, ગણેશપેઠ, તહસીલ, લકડગંજ, પચપાઓલી, શાંતિનગર, શક્કરદારા, નંદનવન, ઈમામવાડા, કપિલનગર અને યશોધરાનગરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે કોઈને પણ ઘરથી બહાર નીકળવાની પરવાનગી આપવામાં નથી આવતી. જો કે, પોલીસ કર્મચારી, સરકારી કર્મચારી અને પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો માટે કર્ફ્યુના નિયમો લાગુ પડતા નથી. અત્યારે પોલીસે આ દરેક વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.