ગુજરાત પોલીસે બરતરફ સબ-ઇન્સ્પેક્ટર રણજિત કાસલેની લૂંટના કેસમાં લાતુરથી ધરપકડ કરી...
મહારાષ્ટ્ર

ગુજરાત પોલીસે બરતરફ સબ-ઇન્સ્પેક્ટર રણજિત કાસલેની લૂંટના કેસમાં લાતુરથી ધરપકડ કરી…

લાતુર: ગુજરાત પોલીસે બરતરફ સબ-ઇન્સ્પેક્ટર રણજિત કાસલેની લૂંટના કેસમાં રવિવારે રાતના લાતુરથી ધરપકડ કરી હતી. કાસલે વિરુદ્ધ સુરતમાં લૂંટનો ગુનો દાખલ છે.

કાસલને તાબામાં લેવાયા બાદ તેણે નાટકીય પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ‘બોસની ધરપકડ થઇ ગઇ.’
રાજ્ય સરકારે આ વર્ષની શરૂઆતમાં કાસલેને બરતરફ કર્યો હતો, જેણે દાવો કર્યો હતો કે બીડમાં ગયા વર્ષે સરપંચની હત્યાના કેસમાં મુખ્ય શકમંદ વાલ્મિક કરાડને મારી નાખવા માટે તેને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો.

સુરત નજીક પાલ પોલીસ સ્ટેશનમાં કાસલે સામે લૂંટનો ગુનો દાખલ છે. આથી ગુજરાત પોલીસની ટીમ લાતુર પહોંચી હતી અને રવિવારે રાતે 10.30 વાગ્યાની આસપાસ તેની ધરપકડ કરી હતી, એમ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર સુધાકર બાવકરે જણાવ્યું હતું.

સુરતના લૂંટના કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા શકમંદોએ પૂછપરછ દરમિયાન લૂંટારુઓની ગેન્ગને મદદ કરવામાં કાસલેની કથિત સંડોવણી તરફ ઇશારો કર્યો હતો.

ગુજરાત પોલીસની વિશેષ ટીમે બે દિવસ લાતુરમાં ધામા નાખ્યા હતા અને કાસલેએ આરોપીઓને લોજિસ્ટિક અને અન્ય મદદ પૂરી પાડી હોવાની શંકાને આધારે તેને તાબામાં લીધો હતો.

એપ્રિલ, 2025માં વાંધાજનક કમેન્ટ પોસ્ટ કરવા બદલ કાસલે વિરુદ્ધ એસસી/એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ) એક્ટ હેઠળ દાખલ ગુનામાં બીડ પોલીસે તેની ધરપકડ કરી હતી.

કાસલેએ એવો પણ સનસનાટીભર્યો દાવો કર્યો હતો કે ગયા વર્ષે ડિસેમ્બરમાં મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મુખ્ય શકમંદ વાલ્મિક કરાડને મારવા માટે તેને મોટી રકમની ઓફર કરવામાં આવી હતી. (પીટીઆઇ)

આ પણ વાંચો…‘વાલ્મિક કરાડ એન્કાઉન્ટર’નો દાવો કરનારો સસ્પેન્ડેડ સબ-ઇન્સ્પેક્ટર સેવામાંથી બરતરફ…

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button