खरंच: ગુજરાતના ‘કાઠિયાવાડી’ ગધેડાની પુણેમાં બોલબાલા, એક લાખની કિંમતે વેચાયા

પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં જેજુરીમાં પોષ પૂર્ણિમાના દિવસે ખંડોબા યાત્રા દરમિયાન ગધેડા બજાર ભરાય છે. આ બજારમાં ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ હિસ્સામાંથી ગધેડા વેચાણ માટે લાવવામાં આવે છે. ખંડોબામાં દર્શને આવતા શ્રદ્ધાળુઓ પૈકી ઘણા લોકો અહીં પહાડી વિસ્તારોમાં કામ કરવા માટે ગધેડાની ખરીદી કરે છે. આ વર્ષે મેળામાં ગુજરાતના કાઠિયાવાડી ગધેડાની ભારે માંગ જોવા મળી હતી અને સારા ભાવ પણ મળ્યા હતા.
જેજુરીમાં ગધેડાની કિંમત તેમી જાતિ અને ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાતથી લાવવામાં આવેલા કાઠિયાવાડી ગધેડાની 50,000થી એક લાખ રુપિયાના ભાવે વેચાયા હતા, જ્યારે સ્થાનિક સ્તરે ગધેડાની સારી કિંમત મળતી નથી. સ્થાનિક માર્કેટમાં પણ ગધેડા 25,000થી 50,000 રુપિયાના ભાવે વેચાયા હતા.
Also read: મહારાષ્ટ્રની ખાલીખમ તિજોરી ભરવા દારૂ મોંઘો કરવાની તૈયારી!
ગધેડાના દાંત અને ઉંમરના આધારે ભાવ નક્કી કરાય
જેજુરીના આ બજારમાં ગધેડાના દાંત અને ઉંમરના આધારે તેમની કિંમત નક્કી કરવામાં આવે છે. બે દાંતવાળા ગધેડાને દુવાન, ચાર દાંતવાળા ગધેડાના ચૌવાન અને સારા દાંતવાળા ગધેડાને અખંડ કહેવાય છે. અખંડ દાંતવાળા ગધેડાની કિંમત વધારે હોય છે. વેપારીઓના કહેવા મુજબ આ વખતે ગધેડાની ઓછી સંખ્યાના કારણે તેના સારા ભાવ મળે છે.

અહીં આવતા મોટા ભાગના વેપારીઓ માટે ગધેડા માત્ર વ્યવસાયનું પ્રતીક નથી પરંતુ શ્રદ્ધા સાથે પણ સંબંધ ધરાવે છે. આ વ્યવસાય ખંડોબાના નામે શ્રદ્ધાના વિષય તરીકે પણ જોવામાં આવે છે. ગધેડા વેચતી વખતે કોઈ લેખિત દસ્તાવેજ કે કરાર નથી કરવામાં આવતાં. મોટાભાગના લોકો ફક્ત ‘‘खंडोबा’च्या नावाने चांगभलं’ (ખંડોબાના નામે બધું સારું છે)માં માને છે અને વ્યવસાયમાં જોડાય છે. કેટલાક ખરીદદારો ગધેડા ઘરે લઈ જાય છે અને ચૂકવણી પાછળથી કરે છે. આ વ્યવહાર પણ અસરપરસના વિશ્વાસના આધારે હોય છે.