મહિલાના મૃત્યુ બદલ સરકારી હોસ્પિટલના,ડીન, અન્યો સામે બેદરકારીનો ગુનો દાખલ

નાગપુર: પાંચ વર્ષ પહેલાં મહિલાના થયેલા મૃત્યુ બદલ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (જીએમસીએચ)ના ડીન તથા અન્ય 10 ડોક્ટર વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સેશન્સ કોર્ટના આદેશને પગલે નાગપુરના અજની પોલીસ સ્ટેશનમાં ડીન ડો. રાજ ગજભિયે અને અન્યો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
જિલ્લા કોર્ટના નિવૃત્ત સુપરિન્ટેન્ડેન્ટ અને ફરિયાદી કેવલરામ પાંડુરંગ પાટોળેની પત્ની પુષ્પા 5ર સરકારી હોસ્પિટલમાં 5 જુલાઇ, 2019ના રોજ સર્જરી કરવામાં આવી હતી, પણ પુષ્પાની તબિયત વધુ લથડી હતી અને ત્રણ દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું.
ડો. રાજ ગજભિયે એ સમયે સર્જરી ડિપાર્ટમેન્ટના હૅડ હતા. પુષ્પાના મૃત્યુનું કારણ શરૂઆતમાં હૃદયરોગનો હુમલો બતાવવામાં આવ્યું હતું, પણ તપાસ સમિતિએ તબીબી બેદરકારીને જવાબદાર ઠેરવી હતી. પાટોળેએ બાદમાં કોર્ટમાં અરજી કરીને આ મામલે પોલીસ તપાસની માગણી કરી હતી. તાજેતરમાં કોર્ટે આદેશ આપ્યા બાદ ગુનો દાખલ કરાયો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)