Good News: મહારાષ્ટ્રવાસીઓને મળશે બીજું મહાબળેશ્વર, પણ…
સતારાઃ મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર પ્રકૃતિપ્રેમી અને પ્રવાસીઓ માટે મહત્વનું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે, જ્યાં દર વર્ષે ૧૮ લાખથી વધુ પ્રવાસીઓને આકર્ષે છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે મહાબળેશ્વર પર આવી રહેલા દબાણને ઓછું કરવા માટે એક નવા ગિરિમથકને વિકસાવવાની જરૂર જોઈને કોયના ડેમના શિવસાગર જળાશય (બેંક વોટર)માં ૨૩૫ જેટલા ગામોનો વિકાસ કરીને નવું મહાબળેશ્વર વિકસાવવાની રાજ્યસરકારની યોજના છે.
જોકે, પર્યાવરણ પ્રેમીઓ અત્યારથી આ પ્રોજેક્ટનો વિરોધ કરીને ન્યાયાલયના દરવાજે જવાની પણ તૈયારી કરી રહ્યા છે. આ પ્રોજેકટને ગતિ આપવા માટે હાલ હિલચાલ ચાલી રહી છે અને તે અંતર્ગત આવતીકાલથી ૨૩ જુલાઇના રોજ સતારા, પાટણ, મહાબળેશ્વરમાં તાલુકાવાર સુનાવણી અને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મોસમ બેઈમાનઃ CM Eknath Shinde એ આપ્યા તાબડતોબ આદેશ, પોલીસ સતર્ક
આ પ્રોજેક્ટ પશ્ચિમ ઘાટના સંવેદનશીલ વિસ્તારો તેમજ સહ્યાદ્રી ટાઈગર રિઝર્વને લગોલગ આકાર લેશે. પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓ આ પ્રોજેકટ દ્વારા અહીં થનારી અનિયંત્રિત વિકાસ પ્રવૃત્તિઓનો વિરોધ કરી રહ્યા છે અને તેઓએ ગ્રીન કોર્ટમાં જવાની તૈયારી કરી છે. આ પૃષ્ઠભૂમિમાં, હવે આ સુનાવણી-ચર્ચા સત્ર મહત્વનું બની રહેશે.
આ નવા મહાબળેશ્વર પ્રોજેક્ટમાં સતારા તાલુકાના ૩૪, પાટણ તાલુકાના ૯૫, જાવલી તાલુકાના ૪૬ અને મહાબળેશ્વર તાલુકાના ૬૦ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. લગભગ ૭૩૮ ચો. કિમી વિસ્તાર માટે આ યોજના તૈયાર કરવામાં આવી રહી છે અને આ વિસ્તારને સાંગલી જિલ્લાની સીમાથી મહાબળેશ્વર સુધી વિસ્તારવામાં આવ્યો છે. હાલના મહાબળેશ્વરને અડીને, આ વિસ્તાર સહ્યાદ્રી પર્વતમાળાની ઉત્તર-દક્ષિણ બાજુએ સમુદ્ર સપાટીથી લગભગ ૧,૨૦૦ મીટરની ઉંચાઈ પર આવેલો છે.