મૂર્તી વિસર્જન વખતે જનરેટરમાં બ્લાસ્ટ, યુવકસહિત સાત બાળકો જખમી
સાતારા: નવ દિવસ સુધી દુર્ગા માતાની આરાધના કરનારાઓએ નવ દિવસ બાદ માતાની મૂર્તીનું ધામધૂમથી વિસર્જન કર્યું હતું. પણ મહારાષ્ટ્રના આ ગામના નાનકડાં ભૂલકાંઓને ક્યાં ખબર હતી કે આ વિસર્જનની મજા તેમના માટે સજા બની જશે. આવા જ એક કિસ્સામાં માતાની મૂર્તીનું વિસર્જન દરમીયાન જનરેટરમાં વિસ્ફોટ થતાંએક યુવકસિહત સાત બાળકોને ગંભીર ઇજા થઇ હતી. મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં આવેલ મહાબળેશ્વરના કોલી આલી વિસ્તારમાં દુર્ગા માતાની મૂર્તિના વિસર્જન સમયે જનરેટરમાં વિસ્ફોટ થતાં 22 વર્ષનો એક યુવાન અને સાત બાળકોને ઇજા પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર મહાબળેશ્વરના કોલી આલી વિસ્તારમાં દુર્ગા માતાની મૂર્તીના વિસર્જન દરમીયાન જનરેટરની પેટ્રોલની પાઇપ લીક થઇ જતાં જનરેટરમાં આગ લાગી હતી. જેને કારણે એક મોટો વિસ્ફોટ થયો હતો. અને દુર્ગા માતાની મૂર્તી પાસે બેસેલા 7 નાના બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઉપરાંત 22 વર્ષનો એક યુવાન પણ ઘાયલ થયો હતો.
આ વિસ્ફોટમાં ઇજા પામનાર બધા જ બાળકો 4 થી 8 વર્ષના છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સાતારાની વેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણકારી મળતા જ કલેક્ટર જિતેન્દ્ર ડૂડી અને જિલ્લા પોલીસ પ્રમુખ સમીર શેખ વેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતાં. ઇજાગ્રસ્તોમાં ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેમને વધુ સારવાર અર્થે પુણેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.