સ્ત્રી-પુરુષ સમાનતા ફક્ત કાગળો પર: દેવેન્દ્ર ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે અત્યારે સ્ત્રી-પુરુષ સમાનતા ફક્ત કાગળો પર જોવા મળે છે અને આવશ્યકતા છે કે દરેક પરિવારમાં છોકરી અને છોકરાઓ સમાન હોવાના મુલ્યોને ઉતારવામાં આવે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિને પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે એક બાળકીના પિતા હોવાથી તેઓ અત્યંત ખુશ છે. દીકરીઓ તો ભગવાનના આશીર્વાદ છે અને તેમને આ આશીર્વાદ મળ્યા હોવાથી તેઓ નસીબદાર છે.
સ્ત્રી-પુરુષ સમાનતાના મુલ્યો બાળપણથી શીખવવા આવશ્યક છે. ઘરમાં છોકરા-છોકરી સાથે સમાન વર્તન કરવું આવશ્યક છે. અત્યારે સમાનતા ફક્ત કાગળો પર છે, પરંતુ દરેક પરિવારમાં તેને મુલ્યો તરીકે સ્વીકાર થવો આવશ્યક છે. જ્યારે સરકારો ફક્ત મધ્યસ્થી કરી શકે છે, એમ ફડણવીસે કહ્યું હતું.
આ પણ વાંચો: કોણ છે એ 6 મહિલાઓ? કે જેણે સંભાળી PM મોદીનાં સોશિયલ મીડિયાની કમાન
વ્યક્તિગત ધોરણે તેમણે કહ્યું હતું કે ફક્ત એક જ દીકરી હોવા છતાં તેમને ક્યારે સમાજ કે પરિવારના કોઈ દબાણનો સામનો કરવો પડ્યો નથી.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તેમની પત્ની (અમૃતા ફડણવીસ) સ્વતંત્ર વ્યક્તિ છે. હું તેમની મંતવ્યો અથવા કૃતિઓ સાથે ક્યારેક સહમત નથી થતો, પરંતુ સ્વતંત્ર વ્યક્તિ તરીકે તેઓ મુક્ત છે. ઘણી વખત તેમને ટ્રોલ કરવામાં આવે છે અને સ્વતંત્ર હોવાની કિંમત તેમને ચુકવવી પડે છે.
ભાજપના સિનિયર નેતાએ એમ પણ કહ્યું હતું કે તેમની પુત્રી જે અત્યારે દસમા ધોરણની પરીક્ષાની તૈયારી કરી રહી છે તે વકીલ બનવા માગે છે. વારસાના સવાલ પર તેમણે હસતા-હસતા કહ્યું હતું કે મારા પરિવારમાં હું કદાચ છેલ્લો રાજકારણી હોઈશ.
આ પણ વાંચો: World Population Day: 2036 સુધીમાં ગુજરાતમાં સ્ત્રી-પુરુષના રેશિયોની સ્થિતિ આટલી ભયાનક હશે
રાજ્યમાં ગુમ થઈ રહેલી છોકરીઓની સંખ્યા અંગે તેમણે કહ્યું હતું કે તેમણે પોલીસને નિર્દેશ આપ્યા છે કે છોકરીઓને શોધવામાં વિલંબ થાય તો તેમની ફાઈલ બંધ કરવામાં ન આવે. મેં તેમને કહ્યું છે કે ફાઈલો બે-ત્રણ વર્ષ સુધી ખુલ્લી રાખવી.
સોશ્યલ મીડિયાનો મુદ્દો આંતરરાષ્ટ્રીય હોવાથી તેના પર નિયંત્રણ રાખવું મુશ્કેલ છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ડીપફેક, મોર્ફિંગ વગેરેને અદ્યતન ટેકનોલોજીની મદદથી ટ્રેસ કરી શકાય છે. આમાંથી સંપૂર્ણ ડિજિટલ ફૂટ પ્રિન્ટ મેળવી શકાય છે. સોશ્યલ મીડિયાના દૂષણનો સામનો કરવા માટે આપણે શ્રેષ્ઠ દેશમાં છીએ.
તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જાણકારી આપતાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં બધા જ હાઈવે પર મહિલાઓ માટે શૌચાલયો મળી રહે તે સુનિનિશ્ર્ચત કરવામાં આવ્યું છે. સ્કિલ્સ યુનિવર્સિટી દ્વારા 10,000 મહિલાને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં તાલીમ આપવામાં આવશે અને ભવિષ્યમાં રોજગાર નિર્માણ કરવામાં આવશે.