Gangster Sharad Mohol હત્યા સંબંધે 8 શકમંદોની થઇ ધરપકડ

પુણે: પુણે સ્થિત ગેંગસ્ટર શરદ મોહોલની હત્યા સંબંધે પોલીસે કાર્યવાહી કરીને આઠ શકમંદોની ધરપકડ કરી છે. શરદ મોહોલની તેના જ ગેંગના સભ્યોએ શુક્રવારે કથિત નાણાકીય વિવાદને કારણે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે બપોરે લગભગ 1:30 વાગ્યે, 40 વર્ષની વયના મોહોલ પર ત્રણથી ચાર હુમલાખોરોએ હુમલો કર્યો હતો, જેમણે તેના પર નજીકથી ગોળીબાર કર્યો હતો, જેમાં એક ગોળી તેની છાતીમાં વાગી હતી જ્યારે અન્ય બે તેના જમણા ખભા પર વાગી હતી. ઇમરજન્સી સારવાર માટે તેને કોથરુડની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો પણ, તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો
પોલીસે આ સંબંધમાં આઠ શકમંદોની ધરપકડ કરી છે અને તેમના કબજામાંથી ત્રણ પિસ્તોલ, ત્રણ મેગેઝિન અને પાંચ રાઉન્ડ મળી આવ્યા છે. તેમની પાસેના 2 ફોર-વ્હીલર પણ પોલીસે કબજામાં લીધા છે.
શરદ મોહોલ ગુનાહિત અંડરવર્લ્ડમાં એક જાણીતો વ્યક્તિ હતો, જેની સામે હત્યા અને લૂંટ સહિતના અનેક કેસ હતા. તે અગાઉ યરવડા જેલમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના શંકાસ્પદ ઓપરેટિવ મોહમ્મદ કાતીલ સિદ્દીકીની હત્યાના કેસમાં આરોપી હતો પરંતુ આ આરોપોમાંથી તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યા પાછળનો હેતુ મોહોલની ગેંગમાં જમીન અને પૈસા સંબંધિત વિવાદ હતો.
પુણે પોલીસે કેસની વધુ તપાસ કરવા માટે નવ ટીમોની રચના કરી છે. ક્રાઈમ બ્રાન્ચની 9 તપાસ ટીમો પુણે શહેર વિસ્તાર અને પુણે ગ્રામીણ, સાતારા અને કોલ્હાપુર તરફ રવાના કરવામાં આવી છે.