મહારાષ્ટ્ર

થિયેટરમાં દર્શકોને વાસ્તવિકતામાં ફિલ્મી સીન જોવા મળ્યો નાગપુરમાં પુષ્પા-2 ફિલ્મ જોવામાં મગ્ન ગૅન્ગસ્ટરને પોલીસે ફિલ્મી ઢબે પકડ્યો

નાગપુર: અલ્લુ અર્જુન અભિનીત સુપરહિટ ફિલ્મ પુષ્પા-2 જોવાના દર્શકોને થિયેટરમાં વાસ્તવિકતામાં ફિલ્મી સીન જોવા મળ્યો હોવાની ઘટના નાગપુરમાં બની હતી. ફિલ્મ જોવામાં મગ્ન હત્યા અને ડ્રગ્સના કેસોમાં ફરાર ગૅન્ગસ્ટરને પોલીસની ટીમે ઘેરી લીધો હતો અને કોઈ પ્રકારનો પ્રતિકાર કરે તે પહેલાં તેને પકડી લીધો હતો. થિયેટરમાં વાસ્તવિક ભજવાયેલું દૃશ્ય જોઈ દર્શકો દંગ રહી ગયા હતા, પરંતુ પોલીસે હકીકત જણાવ્યા પછી દર્શકોને ફિલ્મની મજા માણવાની સલાહ આપી હતી.


પોલીસે ગુરુવારે મધરાતે પકડી પાડેલા આરોપીની ઓળખ વિશાલ મેશ્રામ તરીકે થઈ હતી. પોલીસ મેશ્રામને છેલ્લા 10 મહિનાથી શોધી રહી હતી. તપાસ દરમિયાન પોલીસે જાણવા મળ્યું હતું કે મેશ્રામને તાજેતરમાં રિલીઝ થયેલી પુષ્પા-2 ફિલ્મ જોવાનો શોખ છે. પરિણામે પોલીસે થિયેટર્સ પર નજર રાખી આરોપીને ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો હતો, એમ પાંચપાઉલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

ગૅન્ગસ્ટર મેશ્રામ 27 જેટલા ગુનામાં સંડોવાયેલો છે, જેમાં બે હત્યાના કેસનો પણ સમાવેશ થાય છે. ડ્રગની તસ્કરી સાથે સંડોવાયેલો મેશ્રામ હિંસક વૃત્તિનો હોવાથી ભૂતકાળમાં તેણે પોલીસ પર પણ હુમલા કર્યા હતા.

આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે નાગપુર વિધાન ભવનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા

પોલીસની ટીમે સાયબર સ્પેસમાં સતત મેશ્રામ પર નિગરાની રાખી હતી. તેનું નવા સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (એસયુવી) ક્યાં ક્યાં જાય છે તેના પર પણ નજર રાખવામાં આવી હતી.

દરમિયાન ગુરુવારે રાતે મેશ્રામ થિયેટરમાં ફિલ્મ જોવા ગયો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસ થિયેટરમાં પહોંચી ત્યારે ફિલ્મનો ક્લાઈમેક્સ ચાલતો હતો અને મેશ્રામ ફિલ્મ જોવામાં મગ્ન હતો. પોલીસની ટીમે બધી બાજુથી ઘેરી લઈ મેશ્રામને તાબામાં લીધો હતો. તેને નાગપુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ તેને નાશિક જેલમાં ખસેડવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button