મહારાષ્ટ્ર

વેપારીને સોનું સસ્તામાં આપવાને બહાને 13.25 લાખનો ચૂનો ચોપડ્યો…

થાણે: સાંગલીના વેપારીને સસ્તામાં સોનું આપવાને બહાને 13.25 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારી ટોળકી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને તેની શોધ આદરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં સેક્ટર-20ની નજીક 6 જાન્યુઆરીએ આ ઘટના બની હતી.

56 વર્ષના વેપારીએ પોલીસને જણાવ્યું હતું કે આશિષ, વિકી અને રાજુ નામની ત્રણ વ્યક્તિએ તેને એક સોદામાં ફસાવ્યો હતો, જેમણે તેને સોનું પાંચ ટકા ડિસ્કાઉન્ટ પર આપવાનું આશ્ર્વાસને આપ્યું હતું. ત્રણેય જણે વેપારીને 100 ગ્રામ સોનાના વ્યવહાર માટે રોકડ લઇને ખારઘર વિસ્તારમાં બોલાવ્યો હતો. વેપારી ત્યાં આવ્યા બાદ એક આરોપી તેને મળ્યો હતો અને સોદા માટે પોતાની ઓફિસમાં જવું પડશે, એમ ફરિયાદીને જણાવ્યું હતું.

વેપારીને ઓફિસમાં લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે સફેદ રંગની અર્ટિગા કારે તેમને આંતર્યા હતા. કારમાં પાંચથી છ જણ હાજર હતા, જેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને વેપારી પાસેની 13.25 લાખની રોકડ ભરેલી બેગ તેમણે લઇ લીધી હતી.

બાદમાં તેઓ વેપારીને ઓફિસમાં લઇ જઇ રહેલા આરોપી સાથે કારમાં ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ વેપારીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધ આદરવામાં આવી હતી, એમ ખારઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પાંડુરંગ કાંબળેએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button