દીપડાના માણસો પરના હુમલા અટકાવવા માટે જંગલોમાં બકરીઓ છોડી શકાય છે: મહારાષ્ટ્રના પ્રધાન…

નાગપુર: મહારાષ્ટ્રના વન વિભાગના પ્રધાન ગણેશ નાઈકે મંગળવારે જણાવ્યું હતું કે તેમણે વન અધિકારીઓને એવું સૂચન કર્યું છે કે શિકારની શોધમાં દીપડાઓ માનવ વસાહતોમાં આવતા હોવાના બનાવો બની રહ્યા છે તેને રોકવા માટે જંગલોમાં મોટી સંખ્યામાં બકરીઓ છોડી દેવી જોઈએ.
મહારાષ્ટ્ર વિધાનસભામાં એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ દ્વારા રાજ્યમાં દીપડાના હુમલામાં થયેલા જોખમી વધારા અંગે ઉઠાવવામાં આવેલા ધ્યાનાકર્ષક પ્રસ્તાવનો જવાબ આપતાં તેમણે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
‘જો દીપડાના હુમલામાં ચાર લોકોના મોત થાય છે, તો રાજ્ય સરકારે એક કરોડ રૂપિયા (વળતર તરીકે) ચૂકવવા પડશે.
તેથી મેં અધિકારીઓને કહ્યું કે, મૃત્યુ પછી વળતર ચૂકવવાને બદલે, દીપડા માનવ વસ્તીમાં પ્રવેશ ન કરે તે માટે 1 કરોડ રૂપિયાના બકરાને જંગલમાં છોડી દો,’ એમ પણ પ્રધાને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દીપડાના વર્તન અને રહેવાની રીત બદલાઈ ગઈ છે, તેમણે ઉમેર્યું હતું કે, ‘પહેલાં તેમને વન્ય પ્રાણીઓ તરીકે વર્ણવવામાં આવતા હતા, પરંતુ હવે તેમના રહેઠાણ શેરડીના ખેતરોમાં સ્થળાંતરિત થઈ ગયા છે.’
તેમણે જણાવ્યું હતું કે, અહિલ્યાનગર, પુણે અને નાશિક જિલ્લામાં દીપડા સંબંધિત સૌથી વધુ ઘટનાઓ નોંધાઈ હતી.
આ પણ વાંચો…10 ટકા અધિકારીઓ અસમર્થ: ગણેશ નાઈક



