Gadkari on Politicians' Dissatisfaction

રાજકારણીઓ અસંતોષી જીવ હોય છે: ગડકરીની ફિલોસોફી

નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે રાજકારણ ‘અસંતુષ્ટ આત્માઓનો સાગર’ છે, જ્યાં દરેક વ્યક્તિ દુ:ખી હોય છે અને પોતાની વર્તમાન સ્થિતિ કરતાં ઊંચા હોદ્દા માટે ઇચ્છુક હોય છે. રવિવારે નાગપુરમાં ’50 ગોલ્ડન રૂલ્સ ઓફ લાઇફ’ નામના પુસ્તકના લોકાર્પણ પ્રસંગે બોલતા ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે જીવન સમાધાન, મજબૂરીઓ, મર્યાદાઓ અને વિરોધાભાસોનો ખેલ છે.

વ્યક્તિ પારિવારિક, સામાજિક, રાજકીય કે કોર્પોરેટ જીવનમાં હોય, જીવન પડકારો અને સમસ્યાઓથી ભરેલું હોય છે અને તેનો સામનો કરવા માટે વ્યક્તિએ ‘જીવન જીવવાની કળા’ સમજવી જોઈએ, એમ ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.
પ્રધાને રાજસ્થાનમાં યોજાયેલા એક કાર્યક્રમને યાદ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ‘રાજકારણ એ અસંતુષ્ટ લોકોનો મહેરામણ હોય છે, જ્યાં દરેક વ્યક્તિ ઉદાસ હોય છે…

Also read: અમિત શાહે મંત્રી પદ માટે ઇચ્છુક ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ દિલ્હી મંગાવ્યા

જે નગરસેવક બને છે તે દુઃખી છે કારણ કે તેને વિધાનસભ્ય બનવાની તક મળી નથી, અને વિધાનસભ્ય દુ:ખી છે કારણ કે તેને મંત્રીપદ મળી શક્યું નથી. મંત્રી બન્યા પછી સારું ખાતું નહીં મળવાથી અને મુખ્ય પ્રધાન નહીં બની શકવાથી દુઃખી છે અને મુખ્યમંત્રી ટેન્શનમાં છે કારણ કે તેમને ખબર નથી કે હાઈકમાન્ડ તેમને ક્યારે દરવાજો દેખાડી દેશે.’

(PTI)

Back to top button