મહારાષ્ટ્ર

ગઢચિરોલીમાં ચાલી રહેલા સ્પેશિયલ ઑપરેશનમાં વધુ બે નક્સલવાદી ઠાર

રાજ્ય પોલીસના સ્પેશિયલ ફોર્સનો ઘાયલ જવાન શહીદ

ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં ચાલી રહેલા સ્પેશિયલ ઑપરેશનમાં વધુ બે નક્સલવાદીને ઠાર કરવામાં આવ્યા હતા, જ્યારે એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલા રાજ્ય પોલીસના સ્પેશિયલ ફોર્સનો જવાન શહીદ થયો હતો. ત્રણ દિવસ પહેલા શરૂ કરાયેલા ઑપરેશનમાં અત્યાર સુધી ત્રણ નક્સલવાદીને ઠાર કરાયા છે.

માઓદાવીઓની 10 નંબરની કંપનીના કૅડરોની હાજરી વિશે માહિતી મળ્યા બાદ ગઢચિરોલી-નારાયણપુર (છત્તીસગઢ) સરહદ પરના ફોદેવાડા ગામની નજીક ભામ્રાગઢના એસડીપીઓ (સબ-ડિવિઝનલ પોલીસ ઓફિશર) હેઠળ મંગળવારે 14 સી-60 યુનિટ્સ દ્વારા ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આપણ વાચો: Anti Naxal Operation: છત્તીસગઢમાં સુરક્ષાકર્મીઓએ એક નક્સલવાદીને ઠાર કર્યો, એક પોલીસકર્મી શહીદ

પોલીસે બુધવારે નક્સલવાદીઓના બે કેમ્પનો નાશ કર્યો હતો. ઑપરેશન વધુ આક્રમક બનાવવા ગુરુવારે સવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ક્યુએટી (ક્વિક એક્શન ટીમ)ના એક યુનિટ તેમ જ સી-60ના વધુ ચાર યુનિટ્સને કામે લગાવવામાં આવ્યાં હતાં.

પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારે એકે-47 રાઇફલ અને સેલ્ફ-લોડિંગ રાઇફલ (એસએલઆર) સાથે એક નક્સલવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં મહિલા સહિત વધુ બે નક્સલવાદીના મૃતદેહ મળી આવ્યા હતા. આથી હાલમાં ચાલી રહેલા ઑપરેશનમાં કુલ ત્રણ નક્સલવાદીઓ ઠાર થયા છે. જોકે તેમની ઓળખ હજી સ્થાપિત થઇ નથી.

દરમિયાન આ ઑપરેશનમાં ઇજાગ્રસ્ત સી-60ના જવાન દીપક ચિન્ના મડવી (38)ને ભામ્રાગઢથી એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. અન્ય એક ઘાયલ જવાન જોગા મડવીને પણ એરલિફ્ટ કરાયો હતો અને તે હવે જોખમથી બહાર છે. આ ઑપરેશન હજી પણ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button