મહિલાની હત્યા બાદ તેના મૃતદેહને સળગાવી દેનારા ચાર જણને આજીવન કારાવાસ

પાલઘર: વસઈમાં આર્થિક વિવાદને પગલે અપહરણ પછી ગળું દબાવી મહિલાની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાને ઇરાદે મૃતદેહને સળગાવી દેવાના કેસમાં કોર્ટે ગુરુવારે ચાર આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
ડિસ્ટ્રિક્ટ ઍન્ડ એડિશનલ સેશન્સ જજ એસ. વી. ખોનગલે મોહિતકુમાર ભિશનદાસ ભગત (33), રામઅવતાર છિતેલાલ શર્મા (34), શિવા રામકુમાર શર્મા (33) ને ઉનિતા શ્રવણન (43)ને ભારતીય દંડ સંહિતાની હત્યા અને અન્ય કલમો હેઠળ કસૂરવાર ઠેરવ્યાં હતાં. કોર્ટે જનમટીપની સજા સાથે ભગત અને બન્ને શર્માને 18 હજાર રૂપિયા, જ્યારે ઉનિતાને સાત હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જયપ્રકાશ પાટીલે કોર્ટમાં જણાવ્યું હતું કે ચારેય આરોપીએ 15 મે, 2016ના રોજ મૃતક કવિતા બાદલા (27)ને આર્થિક વિવાદનો નિવેડો લાવવાને બહાને વસઈના ફ્લૅટમાં બોલાવી હતી. નાણાંને મુદ્દે આરોપી અને કવિતા વચ્ચે ઝઘડો થયો હતો. મૃતક અને આરોપી એક નેટવર્ક માર્કેટિંગ ફર્મમાં કામ કરતા હતા.
આ પણ વાંચો : વસઈમાં રેલવે બ્રિજ નીચે મિત્રની હત્યા કરી મૃતદેહ સળગાવ્યો: બેની ધરપકડ
આરોપીઓએ કવિતાનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. પછી ગૂણીમાં તેના મૃતદેહને ભરી મુંબઈ-અમદાવાદ હાઈવે પર સાખરે નજીક લઈ ગયા હતા, જ્યાં પુરાવાનો નાશ કરવાને ઇરાદે તેના શબને બાળવામાં આવ્યો હતો.
ઘટનાને અંજામ આપ્યા પછી આરોપીએ કવિતાના પિતાને ફોન કર્યો હતો. કવિતાના જ્વેલર્સ પિતા પાસેથી ત્રણ કિલો સોના ઉપરાંત 30 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. ખટલા દરમિયાન કોર્ટમાં 53 સાક્ષી તપાસવામાં આવ્યા હતા. (પીટીઆઈ)