અનેક રાજકીય આંદોલનોને કારણે ચર્ચામાં રહેનારા પૂર્વ કેન્દ્રીય પ્રધાન બબનરાવ ઢાકણેનું નિધન
નગર: સંઘર્ષશીલ નેતા, પોતાના અલાયદા આંદોલનો અને તેના પોઝિટિવ પરિણામોને કારણે કાયમ ચર્ચામાં રહેનારા પીઢ રાજકારણી અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન બબનરાવ ઢાકણેનું ગઇ કાલે રાત્રે સારવાર દરમીયના નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતાં.
શુક્રવારે બપોરે તેમના મૂળ ગામ પાગોરી પિંપળગામ (તા. પાથર્ડી) ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બબનરાવ ઢાકણે છેલ્લાં કેટલાંય દિવસોથી ન્યૂમોનિયાને કારણે બીમાર હતાં, તેથી તેમને નગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતાં. રાત્રે હાર્ટ એટકને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
પંચાયત સમિતિના સભ્યથી કેન્દ્રીય પ્રધાન સુધીનો પ્રવાસ કરનાર બબનરાવ ઢાકણેએ વિદ્યાર્થી અવસ્થામાં જ છેક દિલ્હી પહોંચીને તત્કાલિન વડા પ્રધાન પંડિત નેહરુને મળીને તેમના પર થયેલા અન્યાય અંગે ધ્યાન દોર્યુ હતું. ગોવામુક્તિ સંગ્રામમાં પણ તેઓ સામેલ થયા હતાં.
ચાર વખત વિધાનસભ્ય, એકવાર સાંસદ, વિધાનસભાના વિરોધી પક્ષના નેતા, વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકેની વિવિધ જવાબદારી તેમણે સફળતાપૂર્વક નિભાવી હતી. કેદારેશ્વર સહકારી ખાંડ કંપનીની સ્થાપના, તે પહેલાં રાજ્યના પરિવહન કામગાર સંગઠનની સ્થાપના તેમણે જ કરી હતી. સાંસદ તરીકે તેમણે બિડમાંથી જીત મેળવી હતી. જનતાદળના પ્રદેશાધ્યક્ષ તરીકે પણ તેમણે કામ કર્યું હતું.
વર્ષ 1967માં જિલ્લા પરિષદ સદસ્ય તરીકે ફરજ બજાવતી વખતે તેમણે પાર્થડીના વિદ્યુતિકરણના પ્રશ્ન અંગે વિધાનસભાની ગેલેરીમાંથી કૂદકો મારવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના ખૂબ જ પ્રચલિચ થઇ હતી. તેમના વિરોધમાં વિધાનસભામાં અધિકાર ઉલ્લંઘનનો ઠરાવ પણ થયો હતો. સરકારે તેમને માફી માંગવાની સૂચના આપી હતી, પરંતુ પોતે જનતા માટે આંદોલન કરી રહ્યાં છે એમ કહીને તેમણે માફી માંગી નહતી. તેથી તેમને સાત દિવસ જેલની સજા પણ થઇ હતી. ત્યાર બાદ તત્કાલીન મુખ્ય પ્રધાન વસંતરાવ નાઇકે જાતે આ મુદ્દે બેઠક યોજી બે મહિનામાં માંગણીઓ સંતોષવાનું આશ્વાસન આપ્યું હતું.
બબનરાવ ઢાકણેની વિનંતીને ધ્યાનમાં લઇ મહારાષ્ટ્રમાં પડેલ દુકાળની જાણકારી મેળવવા માટે તત્કાલીન વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ પાથર્ડી તાલુકાની મુલાકાત લીધી હતી, તેથી 1972થી 1975 દરમિયાન પાથર્ડી તાલુકામાં 110 તળાવનું નિર્માણ થયું હતું.
માત્ર નવમાં ધોરણ સુધીનો અભ્યાસ કરનારા બબનરાવ ઢાકણેએ અનેક આંદોલનો કર્યા હતાં. અને ઘણીવાર જેલ પણ ગયા હતાં. શેરડી તોડનારા મજૂરોના પ્રશ્નો પર તેમનો તત્કાલીન ભાજપના નેતા ગોપીનાથ મુંડે સાથે વિવાદ પણ થયો હતો. કોંગ્રેસ, જનતાદળ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ એવો એમનો રાજકીય પ્રવાસ હતો. તેમણે ગ્રામીણ વિસ્તારમાં રહેતાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શૈક્ષણિક સંસ્થા પણ સ્થાપી હતી.