કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણઃ પૂર્વ સીએમ સુશીલકુમાર શિંદે ભાજપના પ્રદેશપ્રમુખને મળ્યા

સોલાપુર: કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેએ તેને અને તેની દીકરી પ્રણિતિ શિંદેને ભાજપમાં આવવાની ઓફર આપવામાં આવી હોવાનો દાવો સવારે કર્યો હતો. આ અંગેની ચર્ચા અમુક કલાકો સુધી જોરશોરથી ચાલી જ રહી હતી ત્યાં ભાજપના પ્રધાન ચંદ્રકાંત પાટીલ શિંદેના નિવાસસ્થાને મુલાકાત કરવા પહોંચી ગયા હતા. આથી હવે આ બંને નેતાઓમાં શી ચર્ચા થઇ હતી તેના તરફ બધાની મીટ મંડાયેલી છે. દરમિયાન ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ શિંદે પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હોવાની વાતને સવારે રદિયો આપ્યો હતો.
પોતાને ભાજપમાં પ્રવેશવાની ઓફર કરવામાં આવી હોવાનો સુશીલકુમાર શિંદેએ કરેલા રહસ્યોસ્ફોટ પછી રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો. બીજી બાજુ શિંદે ભાજપમાં આવે તો તેનું સ્વાગત છે, એવું ભાજપના નેતા ગિરીશ મહાજને જણાવ્યું હતું. કોંગ્રેસના એક મોટા નેતાને ભાજપની ઓફર આવતાં સાહજિક રીતે તેનું પરિણામ રાજકીય વર્તુળોમાં જોવા મળતું હોય છે. આ વિષય પર સવારથી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો.
સુશીલકુમાર શિંદેને સવારે ભાજપમાં પ્રવેશવાની ઓફર હોવાની વાતની ચર્ચા ચાલી રહી હતી એવામાં સાંજે ચંદ્રકાંત પાટીલ શિંદેના નિવાસસ્થાને વાતચીત કરવા માટે ગયા હતા. સવારે જે વાતને ભાજપના પ્રદેશાધ્યક્ષ બાવનકુળેએ રદિયો આપ્યો હતો એ સાંજે ખરી સાબિત થઇ હતી. જોકે બંને નેતાઓ વચ્ચે શી ચર્ચા થઇ હતી એ જાણવા મળ્યું નથી.
હું કોંગ્રેસ છોડીને નહીં જાઉં: શિંદે
પુણે: વરિષ્ઠ કોંગ્રેસ નેતા સુશીલકુમાર શિંદેએ દાવો કર્યો હતો કે મને અને મારી દીકરી પ્રણિતિ શિંદેને ભાજપમાં જોડાવા માટેની ઓફર છે. જોકે સુશીલકુમાર શિંદેએ કરેલા દાવા અને ત્યાર બાદ રાજકારણમાં મચેલા ખળભળાટ વચ્ચે હું કોંગ્રેસને વફાદાર છું અને પક્ષ છોડીને નહીં જાઉં, એવું સુશીલકુમાર શિંદેએ જણાવતાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હતું.