ગોંદિયામાં દીપડાએ કરેલા હુમલામાં પાંચ વર્ષના બાળકનું મોત

ગોંદિયા: ગોંદિયા જિલ્લામાં આવેલા ગામમાં દીપડાએ કરેલા હુમલામાં પાંચ વર્ષના બાળકનું મૃત્યુ થયું હોવાનું વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
અર્જુની-મોરગાંવ તહેસીલના સંજયનગર ગામમાં ગોઠણગાવ જંગલ વિસ્તારની હદમાં ગુરુવારે વહેલી સવારે આ ઘટના બની હતી.
મૃત બાળકની ઓળખ અંશ પ્રકાશ મંડલ તરીકે થઇ હોઇ તે દાદી સાથે વહેલી સવારે ઘરેથી નીકળ્યો હતો ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો અને અંશને ખેંચી ગયો હતો.
દીપડો અંશને જે દિશામાં ખેંચી ગયો હતો, ત્યાં પરિવારજનો અને પડોશીઓએ શોધ ચલાવી હતી. દીપડો અંશને ઘાયલ અવસ્થામાં છોડીને જંગલમાં ભાગી છૂટ્યો હતો.
અંશને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના બાદ રોષે ભરાયેલા ગામવાસીઓએ નવેગાવબંધ-કેશોરી માર્ગ પર વિરોધ પદર્શન કર્યું હતું. કેટલાક લોકોએ વનવિભાગની કારની તોડફોડ પણ કરી હતી.
દરમિયાન વનવિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગામવાસીઓને સમજાવીને શાંત કર્યા હતા. (પીટીઆઇ)
આ પણ વાંચો…ઉનામાં 20 વર્ષે જન્મેલા માસૂમ બાળકને દીપડાએ ફાડી ખાતા હાહાકાર, ગ્રામજનોમાં ભયનો માહોલ!