આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ સાથે હરિયાણાવાળી થવાનો ડર

ખુદ હાઈ કમાન્ડ આવું માને છે: રાહુલ ગાંધી પણ સખત નારાજ છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોઈની મનમાનીથી મહારાષ્ટ્રમાં હરિયાણાનું પુનરાવર્તન થવાનો ડર કોંગ્રેસ હાઈકમાન્ડને લાગી રહ્યો છે એવું લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચૂંટણી સમિતિની બેઠકમાંથી બહાર નીકળી ગયા બાદ આવી અટકળો લગાવવામાં આવી રહી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં માંડ ચાર દિવસ બાકી હોવા છતાં મહાવિકાસ અઘાડીમાં બેઠક ફાળવણીનું સંકટ દૂર થઈ રહ્યું નથી. કોંગ્રેસ અને શિવસેના યુબીટીના નેતાઓ વચ્ચે બેઠકોનું મેરેથોન સત્ર ચાલી રહ્યું છે. એક જ દિવસમાં અનેક બેઠકો પર ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના બાળાસાહેબ થોરાત ક્યારેક માતોશ્રી જાય છે અને ક્યારેક શરદ પવારને મળવા જતા જોવા મળે છે.

આટલા પ્રયત્નો છતાં બેઠકોની વહેંચણીમાં હજી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. શુક્રવારે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી રાજ્યના કૉંગ્રેસના નેતાઓથી ભારે નારાજ હોવાનું જોવા મળ્યું હતું. તેઓ મીટિંગ અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા.

રાહુલ ગાંધીએ નારાજી વ્યક્ત કરી હતી કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની એનસીપી સાથે બેઠક ફાળવણી અંગે ચર્ચા કરવામાં નિષ્ફળ ગયા છે. કોંગ્રેસ કેટલા ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપી શકે છે? કોંગ્રેસને કેટલી બેઠકો મળી? તેવા સવાલો ઉઠાવીને રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના નેતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.

મૂળભૂત રીતે પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર અને બાળાસાહેબ થોરાત કોંગ્રેસ તરફથી બેઠક ફાળવણી અંગે ચર્ચા કરી રહ્યા છે. પ્રદેશાધ્યક્ષ તરીકે પટોલેની જવાબદારી પણ વધુ છે. કોંગ્રેસના નેતાઓએ બેઠક ફાળવણી અંગેની ચર્ચા યોગ્ય રીતે કરી ન હતી. જેના કારણે કોંગ્રેસે કેટલીક એવી બેઠકો છોડી દીધી હતી જ્યાં કોંગ્રેસ જીતી શકે એવી શક્યતા હતી. રાહુલ ગાંધીને આ બાબત પસંદ આવી ન હોવાનું કૉંગ્રેસનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button