મહારાષ્ટ્રમાં બનાવટી દવાઓની હેરફેર મુદ્દે એફડીએ એક્ટિવ મોડમાં

મુંબઈ: રાજ્યમાં છૂટક અને જથ્થાબંધ દવાના ડીલરો બીજા રાજ્યોમાંથી મોટી માત્રામાં દવાઓ ખરીદે છે, તેનાથી રાજ્યમાં બનાવટી દવાઓ પ્રવેશવાની શક્યતા વધી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા રાજ્યમાં બનાવટી દવાઓને કાબૂમાં લેવા અને નાગરિકોને સારી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટેના પ્રયાસો ઝડપી કર્યા છે.
આ ઉપરાંત, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા તમામ વિભાગીય સંયુક્ત કમિશનરો, મદદનીશ કમિશનરો અને ઔષધ નિરીક્ષકોને એક પરિપત્ર દ્વારા છૂટક અને જથ્થાબંધ વિક્રેતાઓ પાસેથી ખરીદવામાં આવતી દવાઓ પર દેખરેખ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દેશમાં દવાઓના ઉત્પાદકો હિમાચલ પ્રદેશના બદ્દી વિસ્તારમાં સ્થિત છે તેમ જ ગુજરાત અને ઉત્તરાંચલમાં મોટી માત્રામાં દવાઓનું ઉત્પાદન થાય છે. આ રાજ્યમાંથી આવતી ઘણી દવાઓ પ્રમાણભૂત હોતી નથી. જેના કારણે નાગરિકોને નકલી અને નબળી ગુણવત્તાની દવાઓ મળે છે. મહારાષ્ટ્રમાં મોટા ભાગના છૂટક અને જથ્થાબંધ ડ્રગ ડીલર આ રાજ્યમાંથી જથ્થાબંધ દવાઓ ખરીદે છે, તેથી બનાવટી અને હલકી ગુણવત્તાની દવાઓ મળવાની શકયતા નકારી શકાતી નથી. જોકે, રાજ્યમાં બનાવટી દવાઓનો પ્રવેશ અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને બીજા રાજ્યમાંથી આવતી દવાઓ પર કડક નજર રાખવાનું નક્કી કર્યું છે.
તદનુસાર, રાજ્યના તમામ ડિવિઝનલ જોઈન્ટ કમિશનરો, આસિસ્ટન્ટ કમિશનરો અને ડ્રગ ઈન્સ્પેક્ટરને બીજા રાજ્યોમાંથી આવતા ડ્રગ્સની વિગતો હેડક્વાર્ટરમાં ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.