નગર-કલ્યાણ હાઇવે પર ભીષણ અકસ્માત: બેના મોત

ઓતૂર: નગર-કલ્યાણ હાઇવે પર ઓતૂરમાં કોળમથા દત્તભેર હોટેલ સામે પિકઅપ વેનએ ચાલીને જઇ રહેલ યુવતી અને બાઇક પર જઇ રહેલ મહિલાને અડફેટે લેતાં બંનેનું ઘટના સ્થળે મોત થયું હોવાની વિગતો જાણવા મળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બુધવારે 20મી સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે ઋતુજા ડુંબરે રસ્તાની સાઇડથી ચાલતા-ચાલતા ઘરે જઇ રહી હતી. જ્યારે ગીતારામ નામદેવ તાંબે તથા પત્ની સવિતા તાંબે આળેફાટાની દિશામાં બાઇક પર જઇ રહ્યાં હતાં. દરમીયાન ફૂલસ્પીડથી આવતી પીકઅપ વેન એમ.એચ. 14 કે.એ. 5137 કલ્યાણ તરફ જઇ રહી હતી.
ત્યાં ઓતૂર કોળમાથામાં આવેલ દત્તભેળ હોટલ સામે ભીષણ અકસ્માત થયો હતો. આ પીકઅપ વેન રસ્તો છોડીને વિરુદ્દ દીશામાં પલટી ગઇ હતી. જેમાં બાઇક પર સવાર મહિલા સવિતા ગીતારામ તાંબે (ઉં. 45) તથા રસ્તાની સાઇડથી ચાલીને જઇ રહેલ યુવતી ઋતુજા અશોત ડુંબરે (ઉં. 19)નું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ અકસ્માતમાં ગીતારામ નામદેવ તાંબેને ગંભીર ઇજાઓ થઇ છે. અકસ્માત બાદ પીકઅપ વેનનો ડ્રાઇવર ગાડી રસ્તા પર મૂકી નાસી ગયો છે. ઓતૂર પોલીસને આ અંગેની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.