મહારાષ્ટ્રમાં ખેડૂતોના બૂરા હાલઃ 10 મહિનામાં આટલા ખેડૂતોએ ભર્યું અંતિમ પગલું
મુંબઈ: દેશમાં ખેડૂતોના આપઘાતનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે. દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રના ખેડૂતોએ આપઘાત કરી હોવાની એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રમાં 2,000થી વધુ ખેડૂતે આપઘાત કર્યા હતા. રાજ્યમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં પધાન અનિલ ભાઈદાસ પાટીલે આ માહિતી રજૂ કરી હતી, જેમાં રાજ્યમાં જાન્યુઆરીથી ઓક્ટોબર 2023 આ દસ મહિનાના સમયગાળામાં 2,366 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આ દરેક ખેડૂતોના કુટુંબીઓને મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક લાખ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવ્યું હોવાનું પાટીલે જણાવ્યુ હતું.
દરવર્ષની માફક આ વર્ષે પણ રાજ્યના શિયાળુ સત્રમાં ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ગાજયો હતો. કોંગ્રેસના એક વિધાનસભ્યએ આ મામલે સરકાર સામે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા, જેના જવાબમાં પાટીલે કહ્યું હતું કે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સૌથી વધુ 951 ખેડૂતોએ આપઘાત કર્યો છે. સરકારી રિપોર્ટ મુજબ રાજ્યમાં જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન કુલ 2,366 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
રિપોર્ટ મુજબ રાજ્યના અમરાવતી, છત્રપતિ સંભાજી નગરમાં 877 ખેડૂતો, નાગપુરમાં 257, નાસિકમાં 254 અને પુણેમાં 27 ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ સતત વધતાં તે દેશ અને રાજ્ય માટે સૌથી ચિંતાનો વિષય બન્યો છે. ખેડૂતો પાકની વાવણી કર્યા બાદ ઓછા અથવા વધુ વરસાદને કારણે પાકને નુકસાન થતાં, માવઠું, સતત ભાવમાં વધારો અને ઘટાડો ઓછી ગુણવત્તા વાળા બિયારણ અને ઔષધોને લીધે પાકને મોટું નુકસાન થતાં બેન્ક પાસેથી લીધેલી લોનનું ભંડોળ પાછું નહીં આપી શકતા આત્મહત્યા કરી હોવાના મુખ્ય પરિબળો જવાબદાર હતા.