ફોકસ: વકીલાત છોડી ખેડૂત બન્યા! હવે કેળાના બિસ્કિટ બનાવી વર્ષે ૫૦ લાખની કમાણી કરે છે

-પ્રથમેશ મહેતા
મહારાષ્ટ્રના જલગાંવના ખેડૂત અશોક ગાડેએ કંઈક નવીનતા લાવવા માટે કેળાના બિસ્કિટ બનાવ્યા, તેને પેટન્ટ કરાવ્યા. આમ તેમણે અન્ય ૫૦ ખેડૂતોને રોજગારી આપી અને ત્રણ ગણો નફો મેળવ્યો.
‘ભારતની બનાના સિટી’ તરીકે જાણીતા મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ૩.૪ મિલિયન ટન કેળાનું ઉત્પાદન થાય છે અને મહારાષ્ટ્રના કેળાના ઉત્પાદનમાં ૭૦ ટકા અને ભારતના ૧૧ ટકા કરતાં વધુ હિસ્સો ધરાવે છે. આ આંકડા નોંધપાત્ર હોવા છતાં, મોટા ભાગના ખેડૂતો માટે કેળાની ખેતી એક બિનલાભકારી વ્યવસાય બની ગયો છે.
૭૨ વર્ષીય અશોક ગાડે કહે છે, ‘જ્યારે પણ અમે અમારી પેદાશો વેચવાનો પ્રયાસ કર્યો, અમને હંમેશા નુકસાન જ થયું. અમે ઘણીવાર વિચારતા કે શા માટે કેળાની ખેતી નફાકારક નથી. અમે માત્ર એક જ કારણ વિશે વિચારી શકીએ છીએ તે છે તેની શેલ્ફ લાઈફ.’
‘એકવાર વાવ્યા પછી, એક વર્ષ પછી જ કેળાની લણણી થઇ શકે છે. લણણીનો સમયગાળો લગભગ ૨૮ દિવસનો હોય છે. કેળાના એક ઝાડ (અંદાજે ૧૫ કિલોનો ઝૂમખો) નું ઉત્પાદન કરવા માટે અમને લગભગ ૧૫૦ રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે અમે એક ક્વિન્ટલ (૧૦૦ કિલો) માટે માત્ર ૧,૦૦૦ રૂપિયા કમાઈએ છીએ, જે લગભગ ખેતીના ખર્ચ જેટલો જ છે. ઘણીવાર અમે કેળાને માત્ર ૧.૨૫ રૂ. પ્રતિ કિલોના ભાવે પણ વેચ્યા છે. બજારના ભાવમાં પણ વધઘટ થયા કરે છે
અશોક ગાડે કહે છે, ‘ખેડૂતોએ કેળાં જેમ બને તેમ જલદી વેચવા પડે છે. જો કેળા પાકવા લાગે, તો સાવ મફતના ભાવે વેચવા પડે છે.’ તેથી, કેળાને બજારમાં વેચવાને બદલે, અશોક અને તેની પત્ની કુસુમને કેળાને સંભવિત મૂલ્યવર્ધિત ઉત્પાદનોમાં પ્રોસેસ કરીને તેની શેલ્ફ લાઇફ વધારવાનો વિચાર આવ્યો. આજે, તેઓ કેળામાંથી બનતા ખાદ્યપદાર્થો જેમ કે, કેળાની ચીપ્સ, જામ, કેન્ડી, પાપડ, ચેવડો, લાડુ, સેવ અને ગુલાબ જાંબુનું ઉત્પાદન કરે છે.
આ પણ વાંચો :સુખનો પાસવર્ડ : આપણો ઈરાદો નેક હોય તો દુનિયાની પરવા ન કરવી…
રસપ્રદ વાત એ છે કે આ કપલે કેળામાંથી બિસ્કિટ પણ બનાવ્યા છે. અને આ વર્ષે એપ્રિલમાં કેન્દ્ર સરકારે તેમને તેમના કેળાના બિસ્કિટ માટે પેટન્ટ આપી હતી.
ખેડૂત બનવા વકીલાત છોડી:યાવલ તાલુકાના એક કૃષિ પરિવારમાં જન્મેલા અશોકે જલગાંવમાં વકીલાતનો અભ્યાસ કર્યો હતો. એલએલબીમાં સ્નાતક થયા પછી, લગભગ પાંચ વર્ષ સુધી કાયદાની પ્રેક્ટિસ કરી.
જોકે, ૧૯૯૦માં પિતાનું અવસાન થતાં તેણે પ્રેક્ટિસ છોડી દેવી પડી હતી. ૧૨.૫ એકર ખેતીની જમીન ધરાવતા અશોક કહે છે, ‘પેઢીઓથી, અમે કેળાની ખેતી કરીએ છીએ. મારા પિતાના અવસાન પછી, ખેતરની સંભાળ રાખવાની સંપૂર્ણ જવાબદારી મારા પર આવી. મને કાયદામાં રસ હોવા છતાં છોડવો પડ્યો.’