મહારાષ્ટ્ર

ખેડૂતોએ એસઈઝેડ માટે સંપાદિત જમીન પાછી આપવાની માગણી કરી: બાવનકુળેએ સ્ટેટસ રિપોર્ટ મગાવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે કહ્યું હતું કે તેમણે ખેડૂતોની તેમની જમીન પરત કરવાની માગણી અંગે સ્ટેટસ રિપોર્ટ મગાવ્યો છે જે ખાસ આર્થિક ક્ષેત્ર (એસઈઝેડ) માટે સંપાદિત કરવામાં આવી હતી અને જે બનાવવામાં આવ્યું ન હતું.

રાયગઢ જિલ્લાના પચીસ ગામોમાં ફેલાયેલી આ જમીન મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ દ્વારા એસઈઝેડ માટે સંપાદિત કરવામાં આવી હતી. જો કે, ખેડૂતોનો આરોપ છે કે કંપનીએ તેના કોઈપણ વચનો પૂરા કર્યા નથી અને જમીનનો હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો નથી.

‘રાયગઢ જિલ્લાના ખેડૂતો દ્વારા પ્રસ્તાવિત મહામુંબઈ સેઝ માટે સંપાદિત કરેલી જમીન પરત કરવાની માગણી કરવામાં આવી રહી છે કારણ કે તે હજુ સુધી અમલમાં આવી નથી. મેં (રાયગઢના) જિલ્લા કલેક્ટરને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. આ અંગે મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કરવામાં આવશે અને જો જરૂર પડશે તો રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં નીતિગત નિર્ણય લઈ શકાય છે,” બાવનકુળેએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ભાજપમાં 75 વર્ષની વયમર્યાદા નહીં, રાઉત મોદીનો કાર્યકાળ નક્કી ન કરી શકે: બાવનકુળે

છેલ્લા 15 વર્ષથી એસઈઝેડનો વિકાસ થયો નથી, તેથી આપણે ચકાસવાની જરૂર છે કે તેને ડિ-નોટિફાય કરવામાં આવ્યો છે કે નહીં. જો ઉપલબ્ધ હોય તો ડિ-નોટિફિકેશનની નકલ મેળવવી આવશ્યક છે. જિલ્લા કલેક્ટરને સંપાદિત જમીનની સ્થિતિ, જેમાં અસરગ્રસ્ત ખેડૂતોની અપેક્ષાઓ સામેલ છે, તેની વિગતો આપતો એક વ્યાપક અહેવાલ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે, બાવનકુળેએ વધુમાં જણાવ્યું.

પ્રધાને કહ્યું હતું કે, આ માહિતી અને કાનૂની જોગવાઈઓના આધારે ખેડૂતોને જમીન પરત કરી શકાય છે કે નહીં તે નક્કી કરવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રસ્તાવ સરકારને સુપરત કરવામાં આવશે અને કેબિનેટ બેઠકમાં તેના પર ચર્ચા થઈ શકે છે.

તાજેતરમાં રાજ્ય વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ મંત્રાલય ખાતે બાવનકુળેના અધ્યક્ષપદે એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિધાનસભ્ય રવિ શેઠ પાટિલ, સાંસદ ધૈર્યશીલ પાટિલ (વર્ચ્યુઅલી) અને અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button