નકલી સોનું વેચીને ગ્રાહકો સાથે 2.5 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી: ઝવેરીની ધરપકડ

બીડ: બીડમાં 16 જેટલા ગ્રાહકોને નકલી સોનું આપીને 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ ઝવેરીની ધરપકડ કરવામાં આવી હતી. ગ્રાહકોએ આ સોનાના આધારે બૅંક પાસેથી લોન માગી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપી ઝવેરીની ઓળખ વિલાસ ઉદાવંત તરીકે થઇ હોઇ તે બીડના પંડિતનગર વિસ્તારમાં રહે છે. વિલાસે પુણે નજીક દેહુગાવ વિસ્તારમાં દાગીનાની નવી દુકાન ખોલી હતી, જ્યાંથી ગુરુવારે તેને તાબામાં લેવાયો હતો. દુકાનમાંથી 18 કિલો ચાંદી જપ્ત કરાઇ હતી.
આપણ વાચો: ધનતેરસ પર સોનું ખરીદતી વખતે અપનાવો આ 4 ટિપ્સ, અસલી-નકલીની પડી જશે ખબર
ઉદાવંત અગાઉ બીડમાં દુકાન ધરાવતો હતો અને ઝડપથી શ્રીમંત બનવા માટે તેણે યોજના ઘડી કાઢી હતી. ઉદાવંત બૅંક લોન મેળવવા માગતા ગ્રાહકો માટે નકલી સોનાના દાગીના બનાવતો હતો અને તેમની લોન માટેની અરજીઓ અગ્રણી જાહેર ક્ષેત્રની બૅંકની સ્થાનિક બ્રાન્ચમાં મોકલતો હતો. આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને 16 લોન મંજૂર કરાવાઇ હતી.
પોલીસનું કહેવું છે કે ઉદાવંતે આ પ્રમાણે બે મહિનામાં લગભગ 2.5 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા અને બીડમાંની તેની મિલકત વેચીને તે પલાયન થઇ ગયો હતો.
દરમિયાન ઉદાવંત પુણેમાં હોવાની માહિતી આધારભૂત સૂત્રો પાસેથી મળ્યા બાદ બીડ પોલીસની ટીમ ઉદાવંતની નવી દુકાનમાં પહોંચી હતી. પોલીસે ત્યાં તપાસ આદરીને ઉદાવંતને તાબામાં લીધો હતો. ત્યાંથી 18 કિલો ચાંદી જપ્ત કરાઇ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



