વાઘના સંરક્ષણ માટે મહારાષ્ટ્ર સરકાર સક્રિય નથી?: આ વર્ષે આટલાના મોત
મુંબઈ: ભારતમાં જોવા મળતા વાઘના રક્ષણ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. લોકો પણ વન સંરક્ષણ મામલે જાગૃત થયા છે, તેમ છતાં વાઘ અકુદરતી મૃત્યુનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2023માં કુલ 203 વાઘના મોત થયા છે. તેમાં પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. આ વર્ષે વાઘના મૃત્યની સંખ્યા મહારાષ્ટ્રમાં 53 છે. મહારાષ્ટ્રમાં લગભગ આ વર્ષે સૌથી વધારે મોત નોંધાયા છે, તેમાં પણ અડધાથી વધારે મૃત્યુ અકુદરતી હોવાનું એક અહેવાલમાં જાણવા મળ્યું છે.
જોકે વાઘના મૃત્યુની સંખ્યા સાથે તેમની વસતિ વધવાને પણ જોડવામા આવી રહ્યું છે. 2022ની વાઘની વસ્તી ગણતરી મુજબ, દેશમાં કુલ 3,682 વાઘ છે. અગાઉની તુલનામાં, દેશના વિવિધ જંગલોમાં કુલ 715 વધ્યા છે તે વસતિગણતરીમાં સ્પષ્ટ થયું છે. આથી તેમના મૃત્યુની સંખ્યા પણ આ આધારે ગણવાની રહેશે. જોકે આ મૃત્યુના કારણો ઘણા છે, પરંતુ શિકાર અને સંગઠિત ગુનાખોરીના લીધે મરતા વાઘનો વિષય ચિંતા જગાવનારો છે, તેમ નિષ્ણાતો જણાવે છે. વૃદ્ધાવસ્થાને કારણે અથવા જંગલમાં બે વાઘ વચ્ચેના સંઘર્ષને કારણે મૃત્યુ કુદરતી માનવામાં આવે છે. તે સિવાયના તમામ મૃત્યુ જ્યાં માનવ હસ્તક્ષેપ શક્ય છે તેને અકુદરતી માનવામાં આવે છે. આમાં, રસ્તે ચાલતા વાહનો અથવા રેલ્વે સાથે અથડામણ, વીજ કરંટ, શિકાર, ઝેરી પદાર્થો ખોરાકમા આવી જવા, તળાવ અથવા અન્ય જળાશયોમાં પડવા જેવા વિવિધ કારણોસર દેશનું રાષ્ટ્રીય પ્રાણી મૃત્યુ પામે છે. અથવા તમામ મૃત્યુ અકુદરતી મૃત્યુમાં સામેલ છે. છેલ્લા પાંચ વર્ષમાં વાઘના મૃત્યુમાં અકુદરતી મૃત્યુનું પ્રમાણ ઘણું વધારે છે. ભલે તે સરેરાશ કુદરતી મૃત્યુ કરતા ઓછું હોય પણ અગાઉ અકુદરતી રીતે મરનારા વાઘની સંખ્યા ઓછી હોવાનુ અહેવાલ જણાવે છે.
તેમાંથી મોટાભાગના મૃત્યુ શિકાર અને વીજળી પડવાથી થાય છે. દેશમાં 203 મૃત્યુમાંથી 147 કુદરતી અને 55 અકુદરતી છે. દેશમાં સૌથી વધુ વાઘના મૃત્યુ મહારાષ્ટ્રમાં થાય છે. કુલ 53 મૃત્યુમાંથી અડધાથી વધુ લોકો ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાના છે. બીજી બાજું જ્યા સૌથી વધુ વાઘ મૃત્યુ પામે છે તે મધ્ય પ્રદેશમાં 47 મોત નોંધાયા છે. તેમાંથી ઉત્તરાખંડમાં 26, તમિલનાડુમાં 15 અને કેરળમાં 14 વાઘે વિવિધ કારણોસર જીવ ગુમાવ્યા છે. વાઘની સંખ્યા વધ્યાનો આનંદ આપણે બધા મનાવીએ છીએ, પણ વાઘને માટે પૂરતું જંગલ છે કે કેમ, તેઓ છૂટથી હરી ફરી શકે અને ખોરાક મેળવી શકે તે માટની સવલતો ઉપલબ્ધ છે કે, માનવ વસાહતો પરના હુમલા, જંગલમાં અતિક્રમણ અને જંગલોની સુરક્ષા જેવા ઘણા મુદ્દા આ વાઘના જન્મ અને મૃત્યુના સાથે જોડાયેલા છે. જો બરાબર સંરક્ષણ નહીં થાય તો સંખ્યા ફરી ઘટતા વાર નહીં લાગે તેમ નિષ્ણાતો જણાવે છે.