‘ખોટું અને અન્યાયી’: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છેલ્લી ઘડીએ ચૂંટણી મુલતવી રાખવાના પગલાંની જાહેરમાં ટીકા કરી: સરકાર પત્ર લખશે એમ પણ કહ્યું

તેમણે એવી દલીલ કરી હતી કે અપીલ અથવા સબ જ્યુડિસ બાબતોને કારણે ચૂંટણી રદ કરવી એ સંપૂર્ણ નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરનારાઓ સામે અન્યાયી કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 20થી વધુ નગરપાલિકામાં ચૂંટણીની પ્રક્રિયાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો તેની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખોટું અને અન્યાયી પગલું ગણાવ્યું હતું અને એમ જણાવ્યું હતું કે આ બાબતે ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. ફડણવીસના આ નિવેદન બાદ કેટલાક વિપક્ષી નેતાઓએ પણ ચૂંટણીપંચની ટીકા કરી હતી અને મુખ્ય પ્રધાનની વાતને સાચી ગણાવી હતી.
ફડણવીસે સોમવારે પૈઠણમાં તેમની ચૂંટણી પ્રચાર રેલીમાં જતા પહેલા પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે અરજીઓ અથવા સબ જ્યુડિસ બાબતોને કારણે છેલ્લી ઘડીએ ચૂંટણી રદ કરવી એ સંપૂર્ણ નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરનારાઓ પર અન્યાય કરવા જેવી વાત છે.
કોઈની કોર્ટમાં અરજી અને સબ જ્યુડિસ બાબતોને કારણે આવતી કાલે મતદાન છે ત્યારે આજે કેટલીક ચૂંટણીઓ મુલતવી રાખવાનો નિર્ણય અન્યાયી હતો, એમ ફડણવીસે કહ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની સત્તાવન સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામો ક્વોટા કેસના ચુકાદા પર આધાર રાખશે: સુપ્રીમ કોર્ટ
ચૂંટણીઓ મુલતવી રાખવા માટે ચૂંટણી પંચના કાનૂની આધાર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, ‘મને ખબર નથી કે ચૂંટણી પંચ કોની સાથે સલાહ લઈ રહ્યું છે, પરંતુ જ્યાં સુધી હું કાયદા વિશે જાણું છું, ત્યાં સુધી કોઈએ કોર્ટમાં અરજી કરી હોવાથી ચૂંટણી મુલતવી રાખી શકાતી નથી.’ તેમનું આ નિવેદન ચૂંટણી પંચ દ્વારા મંગળવારની કેટલીક બેઠકો પર ચૂંટણી મુલતવી રાખવાની જાહેરાત પછી આવ્યું હતું. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કેટલાક મતદાર ક્ષેત્રમાં મતદાન મુલતવી રાખવામાં આવ્યું હતું તેની સત્તાવાર સંખ્યા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
મુખ્ય પ્રધાને લાતુર જિલ્લાના નિલંગાના કેસને ઉદાહરણ તરીકે ટાંક્યો જ્યાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. ‘જેની ઉમેદવારી નામંજૂર કરવામાં આવી હતી તે કોર્ટમાં ગયો હતો,’ એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે, ‘જે ઉમેદવારોએ પોતાનું નામાંકન દાખલ કર્યું હતું તેમને ચૂંટણી પ્રક્રિયા માટે સંપૂર્ણ સમય મળ્યો હતો. આવી ક્ષણે કોઈ કોર્ટમાં ગયું હોવાથી ચૂંટણી રદ કરવી સંપૂર્ણપણે ખોટું છે.’
આ પણ વાંચો: વાઢવણ બંદર પર નોકરીઓમાં ભૂમિપુત્રોને બાજુ પર રાખવાના કોઈપણ પ્રયાસોને સહન નહીં કરીએ: મુખ્ય પ્રધાન
ચૂંટણી પંચની સ્વતંત્રતાને સ્વીકારતા, ફડણવીસે નિર્ણય સામે પોતાનું મક્કમ વલણ જાળવી રાખ્યું હતું અને કહ્યું હતું કે, ‘ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે અને તેને નિર્ણય લેવાનો અધિકાર છે. પરંતુ ચૂંટણી મુલતવી રાખવી સંપૂર્ણપણે ખોટી છે.’
તેમણે કહ્યું કે આ નિર્ણય ચૂંટણી ઔપચારિકતાઓ પૂર્ણ કરનારા ઉમેદવારો માટે અન્યાયી હતો.
‘તેમનું આખું કામ વ્યર્થ ગયું છે અને તેમને વધુ 15 દિવસ પ્રચાર કરવો પડશે. અમે આ અંગે ચૂંટણી પંચને રજૂઆત કરીશું,’ એમપણ ફડણવીસે કહ્યું હતું.
‘ચૂંટણી પંચને ગઈકાલે (મુલતવી રાખવા સામે) આ અંગે ઘણી રજૂઆતો મળી હતી. તેમણે જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી, પરંતુ (કેટલીક ચૂંટણીઓ મુલતવી રાખવાનો) નિર્ણય લેવામાં આવ્યો હતો. આપણે આ નિર્ણય સ્વીકારવો પડશે, પરંતુ આ નિર્ણય ખોટો છે, ’ એમ તેમણે ઉમેર્યું હતું.
કમનસીબ નિર્ણય: એકનાથ શિંદે
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ચૂંટણી મુલતવી રાખવાના ચૂંટણીપંચના નિર્ણયને ‘કમનસીબ’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ઉમેદવારી પત્રો દાખલ કર્યા પછી અને પાછા ખેંચ્યા પછી મતદાન પ્રક્રિયા ક્યારેય બંધ કરવામાં આવી નથી. આવું પહેલી વખત થઈ રહ્યું છે અને અત્યારે તો પ્રચાર અંતિમ તબક્કામાં છે.
‘પ્રક્રિયા શરૂ થયા પછી ચૂંટણી ક્યારેય બંધ થતી નથી જ્યાં સુધી તે પૂર્ણ ન થાય, પરંતુ આ વખતે કમનસીબે તે બંધ કરવામાં આવી છે. હું બધી માહિતી એકત્રિત કર્યા પછી તેના વિશે વાત કરીશ,’ એમ શિંદેએ પૈઠણ માટે ચૂંટણી રેલી માટે રવાના થતા પહેલા પત્રકારોને જણાવ્યું હતું.
સિંધુદુર્ગમાં રાણે વિરુદ્ધ રાણેની સ્થિતિ સારી નહીં: ફડણવીસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સિંધુદુર્ગમાં સહયોગી પક્ષ ભાજપ અને શિવસેના વચ્ચેના તણાવ અંગે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ ‘સારું વર્તન કરનાર’ દરેકને ટેકો આપે છે.
‘હું ખોટા વ્યક્તિ સાથે ઉભો નથી, ભલે તે વ્યક્તિ મારા પક્ષનો હોય. પરંતુ રાણે વિરુદ્ધ રાણેની સ્થિતિ સારી નથી. ચૂંટણી પછી આપણે આ અંગે આત્મનિરીક્ષણ કરવું પડશે,’ એમ તેમણે જણાવ્યું હતું.



