મહારાષ્ટ્ર

ફડણવીસ, શિંદેનું વક્ફ ખરડાને સમર્થન

ઉદ્યોગપતિઓને જમીન આપી દેવાનો કારસો: કૉંગ્રેસનો આરોપ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે સંસદમાં વક્ફ (સુધારા) ખરડો, 2025 પસાર કરવામાં આવ્યો તેનું સ્વાગત કર્યું હતું અને આને પ્રગતિશીલ અને બંધારણની પ્રસ્તાવનામાં જે ‘સેક્યુલર’ શબ્દ આપવામાં આવ્યો છે તેને યોગ્ય ઠેરવનારું પગલું ગણાવ્યું હતું.

નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદે પણ આ ખરડાના ટેકામાં આવ્યા હતા અને ભારપુર્વક કહ્યું હતું કે આ કાયદો મુસ્લિમ સમાજના હિતમાં છે.

ફડણવીસે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકસભામાં કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરણ રિજીજુ દ્વારા માંડવામાં આવેલો ખરડો મંજૂર થાય એવી અપેક્ષા હતી. આ કાયદો વક્ફ પ્રોપર્ટીસની કાર્યક્ષમતાને વધારવાના, ગુંચવાડાઓ દૂર કરવા, પારદર્શકતા સુનિશ્ર્ચિત કરવી અને ટેકનોલોજી આધારિત સંચાલન લાવવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: લાલુ યાદવ વક્ફ બિલના સમર્થનમાં? સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ, જાણો શું બોલ્યા

આ કાયદા દ્વારા કોઈપણ સમાજની ધાર્મિક લાગણીઓ દુભવવાનો હેતુ નથી. એમાં ફક્ત ભૂતકાળની ભૂલોને હટાવવામાં આવી છે. મહિલાઓને વક્ફ બોર્ડમાં સ્થાન મળશે. વક્ફ બોર્ડમાં આચરવામાં આવેલી ગેરરીતિઓને કોર્ટમાં પડકારી શકાતી નહોતી તે જોગવાઈને હટાવવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.

ફડણવીસે કહ્યું હતું કે વર્તમાન વક્ફ કાયદા હેઠળ જમીનો બોર્ડ દ્વારા લેવામાં આવતી હતી અને પછી કૉંગ્રેસના નેતાઓ પાસે પહોંચી જતી હતી. આ કાયદો આવી લૂટને રોકવા માગે છે, એમ તેમણે કહ્યું હતું.

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આ કાયદાથી ઉદ્યોગપતિઓને ફાયદો થશે એવો દાવો કરવો એ મુર્ખામી છે. તેમણે કાયદાના ટીકાકારોને તુષ્ટિકરણની રાજનીતિ કરવા માગનારા ચાતુર્યવાદીઓ ગણાવ્યા હતા.

ભાજપના સાથી પક્ષ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ હરીફ શિવસેના (યુબીટી)ની ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ વોટ બેન્કની રાજનીતિ કરી રહ્યા છે અને હવે આ પાર્ટી કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પ્રભાવ હેઠળ કામ કરી રહી છે.

આ પણ વાંચો: અબજોપતિ મુકેશ અંબાણીનું એન્ટેલિયા મેન્શન વક્ફ બોર્ડની જમીન પર? જાણો શું છે વિવાદ…

રાજ્ય સરકારના 100 દિવસના પ્લાનની સમીક્ષા કર્યા બાદ પત્રકારોને સંબોધતાં શિંદેએ કહ્યું હતું કે આ ખરડો મુસ્લિમોના હિતમાં છે.

આ તેમના સર્વાંગી વિકાસનો રસ્તો ખોલી નાખશે, હું મુસ્લિમ સમાજને અપીલ કરું છું કે આ કાયદાનું સમર્થન કરે. સેના (યુબીટી)એ બાળાસાહેબની વિચારધારા છોડી દીધી છે અને હવે તે રાહુલ ગાંધીના પ્રભાવ હેઠળ ચાલી રહી છે.

બીજા તરફ સત્તાધારી શિવસેના પોતાના નિર્ણયો ખુલ્લેઆમ અને સ્વતંત્ર રીતે લે છે. તેેને સુવિધાનું રાજકારણ કરવાની જરૂર પડતી નથી. મુસ્લિમ મતો માટે વોટ-બૅન્કનું રાજકારણ કરનારાઓના ખરા ચહેરા વક્ફ ખરડા પર તેમના વલણથી સામે આવી ગયા છે.

વિપક્ષી શિવસેના (યુબીટી)નું નામ લીધા વગર શિંદેએ કહ્યું હતું કે તેમની પાર્ટીની કફોડી હાલત તેમની સુવિધા જનક વલણ અપનાવવાની ભૂલો છે, જેને કારણે વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.

આ પણ વાંચો: વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ થયું, વિપક્ષે કર્યો હંગામો

તેમણે કહ્યું હતું કે વક્ફ મિલકતો કેટલાક મુઠીભર માણસોના હાથમાં રાખવાને બદલે તેનો ઉપયોગ બહુજન માટે થઈ શકશે, કોલેજો, સ્કૂલો અને હોસ્પિટલો દાનમાં આપેલી જમીન પર બનવી જોઈએ, એમ શિંદેએ કહ્યું હતું.

મહારાષ્ટ્ર કૉંગ્રેસે આ ખરડા પર કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.

રાજ્ય કૉંગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે એવો આક્ષેપ કર્યો હતો કે સરકાર પ્રસ્તાવિત કાયદાના માધ્યમથી જમીનો ઊદ્યોગપતિઓ અને બિલ્ડરોને આપી દેવા માગે છે.

અહીં પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે બંધારણનો ડ્રાફટ બનાવતી વખતે વિશેષ જમીન હક્ક કાયદો બનાવવામાં આવ્યો હતો.

મંદિરો, પ્રાર્થનાસ્થળો, અને ઈનામ (ભેટમાં અપાયેલી) જમીનને ફાળવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં છત્રપતિના વંશજોને વિશેષ જમીન હક્કો આપવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

જે દેશમાં વિશાળ વસ્તી ભૂમિરહિત છે, ત્યાં ગાંધીવાદી અને સામાજિક સુધારક આચાર્ય વિનોબા ભાવેએ ભૂદાન ચળવળ શરૂ કરી હતી અને લોકો પાસેથી હજારો એકર જમીન લઈને ગરીબ ખેડૂતોને વહેંચી હતી, એમ તેમણે કહ્યું હતું.

પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ટેનેન્સી કાયદો અને પછી લેન્ડ સિલીંગ એક્ટ લાવીને ખેડૂતને જમીન આપવાનો સિદ્ધાંત અપનાવ્યો હતો. ઈન્દિરા ગાંધીએ જમીનનો માલિકી હક્ક વિતરિત કરવા માટે નિર્ણાયક પગલાં લીધા હતા. યુપીએની સરકારમાં (2004-2014) આદિવાસી સમાજને વન જમીન પર અધિકાર આપવામાં આવ્યો હતો, એમ સપકાળે નોંધ્યું હતું.

ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર વક્ફ કાયદાને ધાર્મિક ચશ્મા લગાવીને જોઈ રહી છે અને એવું લાગે છે કે દાનમાં મળેલી સંપત્તિઓ જપ્ત કરીને તેને ઊદ્યોગપતિઓ અને બિલ્ડરોને આપી દેવામાં આવશે, એવો આક્ષેપ તેમણે કર્યો હતો.
તેમણે ધારાવીની જમીન અદાણીને આપી દીધી છે. આવી જ રીતે શક્તિપીઠ કોરિડોરના નામ હેઠળ કોંકણની જમીન અદાણી અને અંબાણીને આપી દેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આ પણ આવું જ કાવતરું હોય એવું લાગી રહ્યું છે, એમ સપકાળે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button