ફડણવીસ, શિંદે, અજિત પવાર મરાઠવાડામાં પૂરગ્રસ્તોની મુલાકાતે… પણ ત્રણેયે લીલો દુકાળ જાહેર કરવાનું ટાળ્યું હતું | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ફડણવીસ, શિંદે, અજિત પવાર મરાઠવાડામાં પૂરગ્રસ્તોની મુલાકાતે… પણ ત્રણેયે લીલો દુકાળ જાહેર કરવાનું ટાળ્યું હતું

(અમારા પ્રતિનિધિ તરફથી)

છત્રપતિ સંભાજીનગર:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવિસ અને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારે બુધવારે પૂર અસરગ્રસ્ત મરાઠવાડાની મુલાકાત લીધી હતી. વરસાદે અહીંના વિસ્તારોમાં છેલ્લાં થોડા દિવસમાં વિનાશ વેર્યો છે જેમાં આઠ લોકોનાં મોત તથા અનેકના ઘર અને પાકને ભારે નુકસાન થયું છે. તેમ છતાં ફડણવીસ, શિંદે અને અજિત પવારે લોકોની લીલો દુકાળ જાહેર કરવાની માગણી પર સરખો જવાબ ન આપીને આડકતરી રીતે ઇનકાર જ કર્યો હતો.

લાતુર, ધારાશિવ, બીડ અને પરભણી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. મરાઠવાડામાં આવેલા ડેમ પણ છલકાઇ ગયા હોવાથી સાવચેતીના પગલે નાછૂટકે તેમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી પરિસ્થિતિ વધુ વણસી છે. આઠ જિલ્લામાં અંદાજે ૩૩,૦૧૦ હેક્ટર્સ જમીન પરના પાકને નુકસાન પહોચ્યું છે.

વરસાદને કારણે મરાઠવાડામાં થયેલા નુકસાનની સમીક્ષા કરવા ફડણવીસ, શિંદે અને અજિત પવાર સહિત અન્ય નેતાઓ પણ ગયા હતા.

આ પણ વાંચો: મરાઠવાડામાં ભારે વરસાદની તબાહી: ૮ના મોત, સેંકડો ઘરો અને ખેતીવાડીને વ્યાપક નુકસાન

ફડણવીસે નિમગાવ અને દરફળ ખાતે પાકને થયેલા નુકસાનની ચકાસણી કરી ગતી, જ્યારે અજિત પવારે સોલાપુર જિલ્લાના મુુંગશી માઢા ગામની મુલાકાત લીધી હતી. સીના નદી પર આવેલા પુલનું સ્ટ્રકચરલ ઓડિટ કરાવવાનો પણ તેમણે આદેશ આપ્યો હતો. આ દરમિયાન ખેડૂબતોએ હેક્ટરદીઠ પચાસ હજાર રૂપિયા નુકસાન ભરપાઇ આપવાની તથા લીલો દુકાળ જાહેર કરવાની માગણી કરી હતી.

આ દરમિયાન એકનાથ શિંદે જીવન જરૂરી વસ્તુઓ પચાસ ટ્રક ભરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને કારંજા ગામની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો: મરાઠવાડાના આફતગ્રસ્ત વિસ્તાર માટે 10,000 કરોડની રાહતની માંગણી

ફડણવીસે શું કહ્યું?

ફડણવીસે લાતુરના ઔસા તાલુકાની લીધી હતી. ખેડૂતોએ લીલો દુકાળ જાહેર કરીને વળતર આપવાની માગણી કરી ત્યારે ફડણવીસે જણાવ્યું હતું કે મરાઠવાડામાં મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. બીડ, લાતુર અને ધારાશિવમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ નિર્માણ થઇ છે. નદીઓમાં પૂર આવવાને કારણે પાણી આસપાસના ગામ, ખેતરોમાં ફરી વળ્યું હતું. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હોવાથી ખાસ્સુ નુકસાન થયું છે. અમે કોઇને પણ એકલા છોડીશું નહીં. કટોકટી એટલે દુકાળ. દુકાળના સમયે જે ઉપાય યોજના કરવામાં આવે છે એ તમામ અમે કરીશું. દરેકને મદદ કરાશે. જેઓના ઘરે-દુકાનોમાં પાણી ભરાયા છે તેમને પણ મદદ કરવામાં આવશે.

અજિત પવારે આપ્યું આશ્વાસન

વિરોધ પક્ષોએ લીલો દુકાળ જાહેર કરવાની માગણી કરી છે તેના પર અજિત પવારે કહ્યું હતું કે અમે પણ વિપક્ષમાં હતા. વિરોધીઓ આવી માગણી કરે છે, પણ સત્તામાં હોઇએ ત્યારે આવી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાનો હોય છે. રાજ્ય સરકારના જે નિયમો છે તે અમે કોરાણે મૂકીને પણ લોકોની મદદ કરીશું. જે શક્ય હશે તે તમામ સહાય કરાશે.

કટોકટીમાં રાજકારણ બાજુ પર રાખવાની શિંદેની વિનંતી

નાયબ મુખ્ય પ્રધાન જીવન આવશ્યક વસ્તુઓ ભરેલી પચાસ ટ્રક લઇને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ફક્ત મદદ કરતા ફોટા કાઢવા માટે નેતાઓ આવે છે. તેના પર પ્રતિક્રિયા આપતા શિંદેએ કહ્યું હતું કે આવા સમયે રાજકારણ કરવું દુર્ભાગ્ય છે. લોકોને મદદ કરવાનું જરૂરી છે. કપડા, રાશન, અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડવી એ ફરજ છે. જેટલી મદદ કરી શકાય એટલી કરવી જોઇએ. એવામાં રાજકારણ બાજુ પર રાખવું જોઇએ. સહાય બેગમાં શું છે તેના પર ધ્યાન આપો, ફોટો પર ધ્યાન આપનારાઓને ફક્ત રાજકારણ કરવું છે.

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button