ખાતા ફાળવણી પૂરી થયા પછી ફડણવીસની ઓફિસનો નવો આદેશ જાણો?
મુંબઈ: મહારાષ્ટ્રમાં પ્રધાનોને ખાતાની ફાળવણી બાદ હવે તેમના અંગત સચિવો, પીએ અને વિશેષ કાર્યકારી અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક શરૂ થઈ છે. જોકે, હવે આ નિમણૂકો કેવળ પ્રધાનોનો મુનસફી અનુસાર નહીં કરવામાં આવે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયમાં (સીએમઓ – ચીફ મિનિસ્ટર્સ ઓફિસ)થી મંજૂરી મળ્યા પછી જ નિમણૂક કરવામાં આવશે. મુખ્ય પ્રધાનના નિયંત્રણ હેઠળ રહેલા ગૃહમંત્રાલયની તપાસ બાદ જ નિમણૂક કરવામાં આવશે એવું જાણવા મળે છે.
ભાજપ સહિત એનસીપી અને શિવસેનાના પ્રધાનોએ તેમના સ્ટાફની નિમણૂક કરતી વખતે મુખ્ય પ્રધાનની પરવાનગી લેવી પડશે. સીએમની મંજૂરી બાદ જ પ્રધાનો પોતાના અંગત સચિવો, પીએ, વિશેષ કાર્યકારી અધિકારીઓ અને અન્ય અધિકારીઓની નિમણૂક કરી શકશે.’
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર વેડફાયું, કારણ કે ખાતા વગરના પ્રધાનો ચૂપ રહ્યા: વિપક્ષ…
આ જ પદ્ધતિનો ઉપયોગ દેવેન્દ્ર ફડણવીસે 2014માં પહેલી વાર મુખ્ય પ્રધાન બન્યા ત્યારે કર્યો હતો. હવે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. મંત્રાલયમાં વિવાદિત અધિકારીઓની નિયુક્તિ રોકવાનો પ્રયાસ ફડણવીસ કરી રહ્યા છે.
મહાવિકાસ આઘાડી (એમવીએ) શાસન દરમિયાન મંત્રાલયમાં કામ કરનારા અધિકારીઓની નિમણૂક આ વખતે ન થાય એવી સંભાવના છે. મહા વિકાસ આઘાડી શાસન દરમિયાન પ્રધાન મંડળમાં કામ કરતા અધિકારીઓ મહાયુતિ સરકારના પ્રધાનો સાથે કામ નહીં કરી શકે તેવું જાણવા મળ્યું છે.
આવા અધિકારીઓની નિમણૂક ન થાય તે માટે મુખ્ય પ્રધાન કાર્યાલયે નામોની ચકાસણી શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આ નિયમ માત્ર ભાજપના પ્રધાનોને જ નહીં પરંતુ અજિત પવારની એનસીપી અને એકનાથ શિંદેના શિવસેનાના પ્રધાનોને પણ લાગુ પડશે.