ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા પછી ફરી એ જ ગુનો કર્યો તો MCOCA લાગશે: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રોફિક સબ્સ્ટન્સીસ (NDPS) ઍક્ટ હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મળ્યા પછી તેઓ ફરીથી ગુનો કરતા પકડાયા તો તેમની વિરુદ્ધ હવેથી મહારાષ્ટ્ર ક્ન્ટ્રોલ ઓફ ઑર્ગનાઈઝડ્ ક્રાઈમ એક્ટ (MCOCA) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે હાલ ચાલી રહેલા ચોમાસા સત્રમાં કાયદામાં સુધારો કરવામાં આવશે એવું મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે વિધાનસભા પરિષદમાં પ્રશ્ર્નકાળ દરમ્યાન માહિતી આપી હતી.
વિધાનપરિષદના સભ્ય ડૉ.પરિણય ફૂકે અને એકનાથ ખડસેએ ડ્રગ્સની હેરાફેરી બાબતે પ્રશ્ર્ન કર્યો હતો, જેના જવાબમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક સ્વતંત્ર એનડીપીએસ યુનિટની સ્થાપના કરવામાં આવી હોઈ તેમાં અધિકારી અને કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા સ્તરે પણ સંકલન સમિતિઓની રચના કરવામાં આવી છે. આમાં છેલ્લા અઢી વર્ષમાં મોટા પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.