મીડિયાને કંટ્રોલ કરવાનો ઈરાદો નથી: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે મોનિટરિંગ સેન્ટરના માધ્યમથી મીડિયા પર નિયંત્રણ રાખવાનો મહારાષ્ટ્ર સરકારનો કોઈ હેતુ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ યંત્રણા કાર્યરત કરવાનો હેતુ ફક્ત શું છપાયું/બ્રોડકાસ્ટ થયું છે તેની ‘નોંધ લેવાનો’ અને પ્રતિભાવ તેમ જ સ્પષ્ટતા કરવાનો છે.
મીડિયા મોનિટરિંગ સેન્ટર (એમએમસી) રાજ્ય સરકારના ડિરેક્ટોરેટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ પબ્લિસિટી હેઠળ સ્થાપિત કરવામાં આવ્યું છે અને તેની ભારે ટીકા થઈ રહી છે. આ પગલાંને મીડિયા પર નિયંત્રણ રાખવાના પગલાં તરીકે ગણાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: મુંબઈની સુરક્ષા માટે દિવસરાત જાગતું રહે છે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ
રાજ્ય સરકાર દ્વારા ચાલુ સપ્તાહના પ્રારંભે બહાર પાડવામાં આવેલા સરકારી આદેશ (જીઆર)માં એવું જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં વધી રહેલી પબ્લિકેશન, ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મની સંખ્યાને ધ્યાનમાં રાખીને એક જ છત્ર હેઠળ બધા સમાચારોની નોંધ લેવા અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને નીતિઓની જાણકારી પહોંચાડવાની આવશ્યકતા જણાઈ રહી છે.
પ્રોફેશનલ ક્ધસલ્ટટન્ટની મદદથી સરકાર સંબંધિત અહેવાલોને પીડીએફ ફોરમેટમાં એકઠા કરવામાં આવશે. તેમને વિવિધ શ્રેણીઓમાં જેમ કે મુદ્દાઓ, વ્યક્તિઓ, ખાતાઓ, સકારાત્મક અને નકારાત્મકમાં વહેંચી નાખવામાં આવશે.
આ પણ વાંચો: શિંદેએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જઈને પરિસ્થિતિની સમીક્ષા કરી
મીડિયા પર નિયંત્રણ રાખવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમે ફક્ત નોંધ રાખવા માાગીએ છીએ કે શું છપાય છે અથવા બ્રોડકાસ્ટ થાય છે. જેથી ક્યાંય ખોટા કે ગેરમાર્ગે દોરતા અહેવાલો હોય તો ઝડપથી તેના પર પ્રતિભાવ/સ્પષ્ટીકરણ આપી શકાય, એમ ફડણવીસે અનૌપચારિક ચર્ચામાં જણાવ્યું હતું.
લવ જિહાદ અંગેના પ્રસ્તાવિત કાયદા અંગે પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આંતરજાતીય લગ્નો ખરાબ નથી, પરંતુ જે લગ્નો જુઠું બોલીને, ઓળખ છુપાવીને, બળપૂર્વક ધર્માંતરણ કરાવીને, બાળકોના જન્મ બાદ પત્નીને તરછોડી દેવામાં આવે વગેરે બાબતોને રોકવી આવશ્યક છે.
અત્યારના કાયદાઓ આવા બનાવો સામે કારગર નથી. મહિલાઓ સાથે આવા લગ્નોમાં છેતરપિંડી થાય ત્યારે તેમની હાલત ખરાબ થઈ જાય છે. અમે સમિતિ બનાવી છે, જેમાં સરકારી અધિકારીઓ અને પોલીસનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓ આવી સ્થિતિમાં કેવી રીતે મદદ રૂપ થઈ શકાય એનો ખરડો તૈયાર કરશે, એમ ફડણવીસે કહ્યું હતું.