મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસની બેંકોને ચેતવણી, કૃષિ લોન આપતી વખતે સિબિલ સ્કોર્સ ન પૂછો

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે બેંકોને એવો નિર્દેશ આપ્યો હતો કે સિબિલ સ્કોર્સનો આગ્રહ રાખ્યા વિના ખેડૂતોને કૃષિ લોન આપવામાં આવે.

સિબિલ સ્કોર એ ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરોની ક્રેડિટ પાત્રતા પદ્ધતિ છે, જેનો ઉપયોગ નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન અરજીઓનું મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવે છે, જેમાં ચુકવણી કરવાની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
‘જો ખેડૂતોને કૃષિ લોન ન મળે, તો તે અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર કરે છે અને ખેડૂતોની આત્મહત્યામાં વધારો કરે છે. અમે વારંવાર બેંકોને સિબિલ (સ્કોર) ન માગવાની સૂચના આપી છે છતાં તેઓ આમ કરવાનું ચાલુ રાખે છે. આજની બેઠકમાં જ આનો ઉકેલ લાવવો જોઈએ. ભૂતકાળમાં, આવી બેંકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો છે. આ એક ગંભીર મુદ્દો છે જેને બેંકોએ જવાબદારીપૂર્વક સંભાળવો જોઈએ,’ એમ ફડણવીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો: મીરા રોડ હવે દૂર નથી: ફડણવીસે મેટ્રો-9ના ટ્રાયલ રનનું ઉદ્ઘાટન કર્યું

‘ભારતીય રિઝર્વ બેંકે પણ કૃષિ લોન અંગે સ્પષ્ટતા જારી કરી છે. જો કોઈ બેંક શાખા સિબિલનો આગ્રહ રાખે છે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે,’ એમ ફડણવીસે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં યોજાયેલી 167મી રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિ (એસએલબીસી)ની બેઠક દરમિયાન ચેતવણી આપી હતી.

મુખ્ય પ્રધાને રાષ્ટ્રીયકૃત બેંકોને આ વર્ષના લોન વિતરણના લક્ષ્યોને પૂર્ણ કરવા અને કૃષિ ધિરાણ કવરેજને વિસ્તૃત કરવા માટે વિશેષ પ્રયાસો કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન, નાણાકીય વર્ષ 2025-26 માટે મહારાષ્ટ્ર માટે રૂ. 44.76 લાખ કરોડની ધિરાણ યોજના મંજૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે તુર્કીના સફરજનનો બહિષ્કાર કરવા બદલ પુણેના વેપારીઓની પ્રશંસા કરી

તેમણે કહ્યું હતું કે, ખેડૂતો રાજ્યની કરોડરજ્જુ છે અને કૃષિ અર્થતંત્રનો એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. કૃષિને અવગણવું સ્વીકાર્ય નથી. તેથી રાષ્ટ્રીયકૃત બેંકોએ કૃષિ લોન વિતરણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવામાન વિભાગ દ્વારા સારા વરસાદની આગાહી સાથે, આ વર્ષે પાક સારો થવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં બેંકોએ ખેડૂતોને વધુ સહાય પૂરી પાડવી જોઈએ. સારો વરસાદ કૃષિ વિકાસને વેગ આપે છે, જે બેંકો અને ખેડૂતો બંનેને લાભ આપે છે, એમ ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું.

રાજ્ય કૃષિ માટે રોકાણ નીતિ લાગુ કરી રહ્યું છે અને બેંકોએ સક્રિયપણે ભાગ લેવો જોઈએ કારણ કે તેમની મુખ્ય ભૂમિકા છે, તેમણે ઉમેર્યું કે આ ક્ષેત્ર માટે રૂ. 5,000 કરોડનું વાર્ષિક રોકાણ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button