પિપંરી-ચિંચવડ: પિપંરી-ચિંચવડમાં રવિવારે ગેસની 9 ટાંકીમાં વિસ્ફોટની દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટના પાછળનું કારણ ખરેખર આઘાતજનક છે. આ વિસ્ફોટ ગેસ ચોરીનો કાળો બજાર કરતી વખતે થયો હોવાનું કહેવાઇ રહ્યું છે. જે જગ્યાએ ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થયો એ જગ્યાએ શાળા, કોલેજ અને વિદ્યાર્થી હોસ્ટેલ પર આવેલા છે. આ વિસ્ફોટને કારણે ત્રણ સ્કૂલ બસ બળીને ખાંખ થઇ ગઇ છે.
પિપંરી-ચિંચવડના તાથવડે વિસ્તારમાં એક ટેન્કરમાંથી ગેસ ચોરી કરતી વખતે લગભગ 9 ટાંકીમાં વિસ્ફોટ થયો હતો. એક પછી એક વિસ્ફોટ થતાં તાથવડે વિસ્તારના લોકો ઘરની બહાર દોડવા લાગ્યા હતાં. આગનું રૌદ્ર રુપ જોઇને ગેસ ચોરી કરી રહેલા લોકો પણ ત્યાંથી ભાગી ગયા હતાં. ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ આગ લાગી તેની આજુબાજુ જ શાળા, કોલેજ, હોસ્ટેલ અને રહેઠાંણનો વિસ્તાર છે. સદનસીબે આ આગને કારણે કોઇ જાનહાની થઇ નથી. જોકે સ્કૂલની ત્રણ બસ બળીને ખાંખ થઇ ગઇ હતી.
રવિવારે રાત્રે પોણા અગિયાર વાગ્યાની આસપાસ લાગેલી આગ ઓળવવામાં ફાયર બ્રિગેડને લગભગ 1 કલાકનો સમય લાગી ગયો હતો. ઘણી મહેનત બાદ આખરે પોણા બાર વાગ્યાની આસપાસ આગ કાબૂમાં આવી હતી. અને આ ગેસની ટાંકીઓના કુલીંગ ઓપરેશન માટે વધુ એક કલાક લાગ્યો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ટેન્કરના ડ્રાઇવર સહિત ગેસચોરોની શોધખોળ હાથ ધરી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને