મહારાષ્ટ્ર

વિપક્ષોના ઈવીએમને લઈને શાબ્દિક હુમલા; શરદ પવારે કહ્યું, ઘણા દેશોએ ઇવીએમનો ઉપયોગ બંધ કર્યો છે.

લોકસભા ચૂંટણીમાં શાસક ભાજપને જોરદાર ટક્કર આપનાર એમવીએ, મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ધોવાઈ જતાં, તેમના સૂર બદલાઈ ગયા છે. લોકસભા ચૂંટણી વખતનું મતદાન જનતાનો શાસન વિરોધી ચુકાદો હોવાનું કહેનારા વિપક્ષો, વિધાનસભાના પરિણામો માટે હવે ઈવીએમને દોષિત ઠેરવી રહ્યા છે. મહારાષ્ટ્રના મરકડવાડી ગામમાં બેલેટ પેપર પર ચૂંટણી કરાવવાની માંગ કરવામાં આવી છે. વિપક્ષે હવે ઈવીએમ પર નિશાન સાધ્યું છે. અત્યારસુધી ઈવીએમ પર કશું ન બોલનારા, એનસીપી (એસપી)ના વડા શરદ પવારે પણ હવે ઈવીએમ પર પ્રહાર કરતા કહ્યું, ઘણા દેશોએ તેનો ત્યાગ કર્યો છે, ચૂંટણીની પદ્ધતિઓ બદલવાની જરૂર છે.

મહારાષ્ટ્રના સોલાપુરના મરકડવાડી ગામમાં એનસીપી એસપી જૂથના વડા ઈવીએમ વિરોધી કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે જણાવ્યું કે આખા દેશમાં મરકડવાડીની ચર્ચા છે. ચૂંટણીને લઈને લોકોના મનમાં શંકા છે કારણ કે ચૂંટણીના પરિણામો એવી રીતે આવ્યા છે કે લોકોના મનમાં શંકાઓ જન્મી છે.

મરકડવાડીમાં ચૂંટણીના પરિણામોથી લોકો સંતુષ્ટ નહોતા, જેના કારણે લોકોએ આ બેઠક પર બેલેટ પેપર દ્વારા પ્રતીકાત્મક ચૂંટણી કરાવવાનું નક્કી કર્યું હતું અને અહીં ફરીથી મતદાન થવાનું હતું. આની જાણ થતાંજ પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને તેમણે ગામવાસીઓને રોક્યા હતા. અહીં માલશિરસ વિધાનસભા બેઠક શરદ પવારની પાર્ટીના ઉત્તમરાવ જાનકરે જીતી છે, જેમણે હવે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. રાજીનામું આપવાની વાત કરતાં તેમણે કહ્યું કે, મારા માટે ધારાસભ્યનું પદ મહત્વનું નથી. આ લોકશાહી મારા માટે મહત્વપૂર્ણ છે. હું મારા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જો માલશિરસ વિધાનસભાની પેટાચૂંટણી થાય તો બેલેટ પેપરથી થવી જોઈએ. શું તમે દેશના એક પણ વિસ્તારની પેટાચૂંટણી બેલેટ પેપર દ્વારા ન કરાવી શકો? જો ચૂંટણી પંચ સાંભળશે નહીં તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણીમાં ‘સાહેબ’ને ખુશ કર્યા, વિધાનસભાની ચૂંટણીમાં મને ખુશ કરો: અજિત પવાર

ઈવીએમ પર વાત કરતા શરદ પવારે ગામવાસીઓને આશ્વાસન આપતા કહ્યું કે તેઓ ગામવાસીઓની ભાવના ચૂંટણી પંચ અને મુખ્યપ્રધાન સુધી પહોંચાડશે. અમે ઇવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા પ્રસ્તાવ પણ લાવીશું. આદિત્ય ઠાકરેએ પણ કહ્યું કે આ દેશ સત્યમેવ જયતેથી ચાલે છે, સત્તા મેવ જયતે પર નહીં. મુખ્ય ચૂંટણી કમિશનર સત્તા મેવ જયતે પર ચાલી રહ્યા છે. એનસીપી (શરદ પવાર) જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે મહાયુતિ પર નિશાન સાધતા કહ્યું કે, જો તમે લોકશાહીમાં માનતા હો તો તમને ગામવાસીઓને રોકવાની શું જરૂર હતી. જો કોઈ સામાન્ય માણસ પોતાના પૈસાથી કોઈ કામ કરવા માંગતો હોય, તો તમારે તેમની વચ્ચે જવાની શી જરૂર છે, તમારે તેમની ધરપકડ કરવાની શી જરૂર છે, તમે આટલા ડરો છો?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button