એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: બુલઢાણાથી બે પકડાયા

મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કારને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી આપતા ઇ-મેઇલ મુંબઈ પોલીસ તથા મંત્રાલયને મોકલવા બદલ ક્રાઇમ બ્રાન્ચે બુલઢાણાથી યુવક અને તેના પડોશીને પકડી પાડ્યા હતા. યુવકની ગર્લફ્રેન્ડે સુસાઇડ કરી લેતાં આ માટે તેણે તેના પડોશીને દોષી ગણ્યો હતો. આથી બદલો લેવા તેના મોબાઇલ પરથી પડોશીએ ધમકીભર્યા ઇ-મેઇલ મોકલ્યા હોવાનો દાવો યુવકે કર્યો હતો. જોકે યુવકના આ દાવાની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ કહ્યું હતું.
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુલઢાણા પોલીસની મદદથી પકડી પાડેલા બે જણની ઓળખ મંગેશ અચ્યુતરાવ વાયાળ (35) અને અભય ગજાનન શિંગણે (22) તરીકે થઇ હતી. બંને બુલઢાણાના દેઉળગાવ રાજા તાલુકાના રહેવાસી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇ-મેઇલ ગુરુવારે સવારે ગોરેગામ અને જે. જે. માર્ગ પોલીસ સ્ટેશન ઉપરાંત મંત્રાલય તથા અન્ય બે સ્થળે મોકલવામાં આવ્યો હતો. ધમકીભર્યા ઇ-મેઇલને ગંભીરતાથી લઇ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. આ પ્રકરણે ગોરેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…Viral Video: શિંદેએ ફરી આપ્યું નવું નિવેદન, મને હળવાશમાં લેશો નહીં…
દરમિયાન જે મોબાઇલ નંબર પરથી ઇ-મેઇલ મોકલવામાં આવ્યો હતો તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાદમાં બુલઢાણા પહોંચી હતી, જ્યાંથી મંગેશ વાયાળ અને અભય શિંગણેને તાબામાં લેવાયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે મંગેશ વાયાળની ગર્લફ્રેન્ડે તાજેતરમાં આત્મહત્યા કરી હતી અને આ માટે તે અભય શિંગણેને દોષી ગણતો હતો. ગર્લફ્રેન્ડને અભયે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરી હોવાનો આરોપ મંગેશે કર્યો હતો. મંગેશે દાવો કર્યો હતો કે મારો મોબાઇલ ચાર્જ થઇ રહ્યો હતો ત્યારે તેના પરથી મંગેશે ધમકીભર્યા ઇ-મેઇલ મોકલ્યા હતા.